એક પણ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ

એક પણ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ
ભુજ, તા. 8 : ગામડું સમૃદ્ધ હશે તો દેશ સમૃદ્ધ થશે. ગ્રામ પાર્લામેન્ટ ગણાતું પંચાયત ઘર ગામના લોકો માટે સુખ-દુ:ખનો સાથીદાર બનીને જન્મ-મરણ નોંધણી, વારસાઇ નોંધણી, વિકાસકાર્યો, પાયાની સુવિધાના રખરખાવ જેવા રાજિંદા કાર્યો માટે ગ્રામ્ય જીવનમાં અદકેરું મહત્ત્વ ધરાવે છે, તેમ વીરા ગામે પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે જણાવ્યું હતું. સામાજિક, શૈક્ષિણક અને પછાત વર્ગોના કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી શ્રી આહીરે મહા આઠમના પવિત્ર દિવસે અંજાર તાલુકાના દરિયાઇ પટ્ટી વિસ્તારના વીરા ગામે આધુનિક પંચાયત ઘરના લોકાર્પણ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાઓમાં શહેરો જેવી સુવિધા નિર્માણ કરી રહી છે. ગામડાંમાં તમામ આનુષંગિક સુવિધાઓ હોવી આવશ્યક છે. એક પણ ગામ વિકાસથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.  આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયત પ્રમુખ ગાવિંદભાઈ ડાંગર અને અંજાર તાલુકા ભાજપ અધ્યક્ષ શંભુભાઈ મ્યાત્રાએ ગ્રામજનોને નવા પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગની શુભકામના પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ આ તકે સંબોધનમાં જણાવ્યું હતું કે, મારી ચેમ્બર કરતાં વીરા પંચાયત ઘરનું કલરકામ સરસ છે. જન્મથી લઇ મરણ સુધીની સેવાઓ અને છેવાડાના માણસ સુધી સરકારની બધી યોજનાઓ પંચાયત ઘર પહોંચાડે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ગામના સરપંચ બાબુભાઈ, ઉપસરપંચ પચાણભાઈ, શામજીભાઈ હીરાણી,  ગગુભાઈ વેલાભાઈ આહીર, શામજીભાઈ માથક, ભોજુભાઈ બોરીચા, ભીખાભાઈ આહીર, હિતેન્દ્રાસિંહ સરવૈયા, માજી સરપંચ કોકિલાબેન સહિત આસપાસના ગામોના સરપંચો,  ટીડીઓ શ્રી ગુંસાઇ, નાકાઇ શ્રી અલવાણી તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer