કેન્દ્રીય માવન સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સિંધી ભાષા વિકાસ પરિષદની કામગીરી બિરદાવાઈ

કેન્દ્રીય માવન સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સિંધી ભાષા વિકાસ પરિષદની કામગીરી બિરદાવાઈ
ગાંધીધામ, તા. 8 : કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદની કામગીરી માટે કચ્છની યુવાન ટીમને બિરદાવવામાં આવી હતી. સિંધી ભાષાના વિકાસ અને સિંધી સંસ્કૃતિના જતન માટે કેન્દ્ર સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય હસ્તક કાર્ય કરતી રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા કરાયેલી કામગીરી થકી આ ભાષા શીખનારની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ એન.સી.પી.એસ.એલ. ભાષા સમિતિ છેલ્લા 18 વર્ષથી દેશના 35 શહેરોમાં સિંધી ભાષામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે દિશામાં કાર્ય કરે છે. હાલમાં ભાષા સમિતિના ચેરમેન તરીકે વરાયેલા ગાંધીધામના મુકેશ લખવાણીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સિંધી ભાષાનો અભ્યાસ કરતા થાય તે માટે છેલ્લા એક વર્ષથી દેશભરમાં  ખાસ ઝુંબેશ ચલાવાઈ હતી. જે માટે 117 શહેરોમાં મુલાકાત લઈ આ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું. જે થકી વર્ષ 2019-20 માટે 9680 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તથા 350 જેટલા વિદ્યાર્થીઓની નોંધણીની કાર્યવાહી ચાલુમાં છે. આ આંકડો સરેરાશ 3000થી 4000 વચ્ચે રહ્યો છે. દિલ્હી ખાતે મળેલી બેઠકમાં કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી ડો. રમેશ પોખરિયાલએ વિવિધ સમિતિઓ પૈકી નોંધપાત્ર કામગીરી કરનારી ભાષા સમિતિના ચેરમેન શ્રી લખવાણી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમની કામગીરી અંગે ખાસ નોંધ લેવામાં આવી હતી. આ સમિતિમાં રેણુબેન તલરેજા (વલસાડ), સંગીતાબેન બાપુલી (કોલકાતા) પણ સહયોગી રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer