વિથોણને પ્લાસ્ટિકથી મુક્ત કરવા સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ

વિથોણને પ્લાસ્ટિકથી મુક્ત કરવા સાથે સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ
વિથોણ (તા. નખત્રાણા), તા. 8 : આ ગામને 100 ટકા પ્લાસ્ટિક મુક્ત બનાવવા ગ્રામ પંચાયત અને વેપારીઓનો તાલમેલ ગોઠવાયો છે. વિથોણ ગ્રામ પંચાયત અને વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે બેઠક મળી હતી. જેમાં ગામને 100 ટકા પ્લાસ્ટિક મુક્ત બનાવવા કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ઝબલાનો ઉપયોગ નહીં કરવા કટિબદ્ધતા દાખવી પંચાયતના આ અભિયાનને સફળ બનાવવા પૂર્ણ સહયોગ આપવા ખાતરી અપાઈ હતી. સરપંચ બચુભાઈ નાયાણી, મંત્રી હરેશભાઈ, વેપારી આગેવાન રાજુભાઈ, ધીરજભાઈ ભગત, જયેશ પટેલ, વિનુ નાયાણી, જિતેન્દ્ર પદમાણી સહિત ગામના 35 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા. ઝબલા નાબૂદ કરવા માટે કઠોર દંડની પણ જોગવાઈની ચર્ચાઓ થઈ હતી. ઉપરાંત કોઈ પણ વેપારી અને ચા નાસ્તાની લારીઓ ઉપર પ્લાસ્ટિકની થેલી જોવા મળે તો તેને પંચાયત દ્વારા દંડ કરવામાં આવશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. વેપારીઓએ પણ ગામ સફાઈ, દારૂનું દૂષણ અને બસ સ્ટેશન વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરાતા વાહનો માટે કડક કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો. અત્યારે માંદગી માથું ઊંચકે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના માટે યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવો જરૂરી છે તેવું જણાવ્યું હતું.  સરપંચ બચુભાઈએ જણાવ્યું કે દવાનો જથ્થો પંચાયતમાં આવી ગયો છે અને દવાનો છંટકાવ ટૂંકમાં ચાલુ કરવામાં આવશે. ઉપરાંત પશુઓ માટે પણ જાહેરાત કરીને માલિકીના ઢોર ઘરે બાંધી રાખે નહીંતર પકડીને પાંજરાપોળમાં મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવાની બાંહેધરી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer