બોલરોની સફળતાનું રહસ્ય ઉજાગર કરતો કોહલી

નવી દિલ્હી, તા. 8 : છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમની બોલિંગ શાનદાર રહી છે. ઘરઆંગણે કે વિદેશમાં ભારતીય બોલરો ફાસ્ટ અને સ્પીનનાં મિશ્રણથી દુનિયાભરની ટીમોને હંફાવી રહી છે. એક વખતે ભારતીય બોલરો ટેસ્ટમાં વિરોધી ટીમોને બે વાર ઓલઆઉટ કરવા અસમર્થ લેખાતી પણ હવે આ કામ ભારતીય બોલરો માટે કોઈ પડકાર હોય તેવું લાગતું નથી. વિશાખાપટ્ટનમમાં ભારતે મહેમાન દક્ષિણ આફ્રિકાની ટીમને 203 રને મ્હાત આપી છે. ત્યારે ટીમના સુકાની વિરાટ કોહલીએ બોલિંગની આ સફળતાનાં રાઝ ઉપરથી પડદો ઉંચક્યો છે. વિરાટના કહેવા અનુસાર ટીમ સમજે છે કે બીજા દાવમાં જ ખેલ નિર્ણાયક બનતો હોય છે. રવીન્દ્ર જાડેજા અને આર.અશ્વિન શાનદાર રમી રહ્યા છે. પહેલા દાવમાં અશ્વિને ટીમને રમત ઉપર પકડ આપી દીધી અને પીચ સપાટ હતી. તો બીજા દાવમાં જાડેજાએ ઝડપથી વિકેટો ચટકાવીને સફળતા અપાવી. ભારતીય ટીમે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પોતાના વ્યવહાર અને અભિગમમાં જે ફેરફાર કર્યા છે તેનાથી શાનદાર પરિણામો મળ્યા છે. જો ફાસ્ટ બોલર મેદાન બહાર હોય તો સ્પિનરને અનુભૂતિ થવા લાગે છે કે હવે બધું કામ તેને જ આટોપવાનું છે. શમી, ઈશાંત, બુમરાહ અને ઉમેશ સહિતના ખેલાડીઓ પોતાની ભૂમિકાને નિર્ણાયક બનાવવા પ્રયાસો કરી રહ્યા છે. તેમનાં નાના-નાના સ્પેલમાં વિકેટ મળી જાય તો પછી સ્પિનરને પણ ઘણી મદદ મળી રહે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer