દશેરાએ દેશને મળ્યું પ્રથમ શત્રુસંહારક રાફેલ

મેરિગ્નેક (ફ્રાન્સ), તા. 8 : ભારતનાં સરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે આસુરી શક્તિપર દૈવી શક્તિના વિજયનાં પર્વ દશેરાના દિવસે ફ્રાન્સમાં વિધિવત રીતે ભારતીય હવાઇ દળને મળતા પ્રથમ શક્તિશાળી યુદ્ધ વિમાન રાફેલને સ્વીકાર્યું હતું. પાકિસ્તાનની ભૂમિમાં ઘૂસીને આતંકીઓ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને જોતાં ભારતીય વાયુસેનાની તાકાત હવે વધુ સખત બની છે. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં મેરિગ્નેકમાં દસોલ એવિએશન સંકુલમાં આયોજિત સમારોહમાં પ્રથમ વિમાન સિંહે સ્વીકાર્યું હતું અને થોડીવાર બાદ આ એરબેઝ પર જ તેમણે રાફેલની વિધિવત `શત્રપૂજા' કરી હતી. રાજનાથસિંહે રાફેલ પર `ૐ' લખ્યું અને નાળિયેર વધેરી પુષ્પો ચડાવ્યાં હતાં. ત્યારબાદ રાફેલમાં ઉડાન પણ ભરી હતી.  આ વિધિમાં સિંહ સાથે વાયુદળના વાઇસ ચીફ માર્શલ અરોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં મેઇક ઇન ઇન્ડિયાની પણ ચર્ચા થઇ હતી, હવે આગામી મે મહિનામાં ચાર વધુ રાફેલ વિમાન મળશે. ભારતે ફ્રાન્સ પાસે કુલ્લ 36 વિમાનની ખરીદીનો સોદો કર્યો છે. પૂજાવિધિ બાદ સિંહે હિન્દીમાં આપેલા ભાષણમાં કહ્યું કે, `આપણું વાયુદળ એ વિશ્વમાં ચોથાક્રમનું સૌથી મોટું દળ છે અને રાફેલ વિમાનથી આપણી શક્તિ વધુ મજબૂત બનવાની સાથે વાયુદળનું પ્રભુત્વ વધારશે. મને કહેવામાં આવ્યું છે કે, ફ્રેન્ચ શબ્દ રાફેલનો અર્થ `આંધી' થાય છે, મને આશા છે કે નામ જેવું જ તે પુરવાર થશે.' રાજનાથે ફ્રાંસીસી પ્રમુખ જેકી સિરાજને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમનું હાલમાં જ નિધન થયું હતું. રાજનાથાસિંહે કહ્યું હતું કે, તેઓ ભારત સરકાર અને દેશની પ્રજા તરફથી પ્રમુખ જેકી સિરાજને શ્રદ્ધાંજલિ આપે છે.  તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે ભારતમાં દશેરા પર્વની ઉજવણી થઇ રહી છે, જેને અમે અસત્ય પર સત્યની જીત તરીકે ઊજવીએ છીએ. આજે જ વાયુસેનો દિવસ પણ છે. અનેક રીતે આજનો દિવસ પ્રતીકાત્મક છે. ભારતે ફ્રાંસની સાથે 23મી સપ્ટેમ્બર 2016ના દિવસે એક આંતર સરકારી સમજૂતી કરી હતી. તેમને આ જોઇને ખુશી છે કે, યોગ્ય સમયે હસ્તાંતરણ થઇ રહ્યું છે. આનાથી ભારતીય હવાઈ દળની તાકાતમાં વધારો થશે. તેમણે ઉમેર્યું હતું કે, મોટી સંખ્યામાં વાયુસેનાના એરમેન ફ્રાંસમાં ફલાઇંગ, મેઇન્ટેનન્સ અને લોજિસ્ટિકના ક્ષેત્રમાં તાલીમ મેળવી રહ્યા છે. સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અન્ય મુદ્દાઓ ઉપર પણ ફ્રાંસે જે રીતે સહકાર આપ્યો છે તે બદલ અમે ફ્રાંસનો આભાર માનીએ છીએ. બંને લોકશાહી દેશો આગળ પણ શંતિ, પર્યાવરણ, અન્ય મુદ્દાઓ ઉપર આગળ વધશે. રાફેલમાં ઉડાન ભરવા માટેની બાબત તેમના માટે ગર્વની વાત છે. રાફેલ મેળવી લીધા બાદ સંરક્ષણમંત્રીએ દશેરા પર થનારી પારંપરિક શસ્ત્રપૂજા કરી હતી અને ત્યારબાદ ડેસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ કુશેર સાથે ઉડાન ભરી હતી. શસ્ત્રપૂજા માટે એરબેઝ પર જ વ્યવસ્થા કરવામાં આવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer