`લિન્ચિંગ શબ્દ જ ભારતીય પરંપરાનો નથી''

નાગપુર, તા.8 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્થાપના દિવસ અને વિજયાદશમી નિમિત્તે સરસંઘચાલક મોહન ભાગવતે દેશનાં અનેક મહત્વપૂર્ણ મુદ્દે સંઘનાં વિચારો પેશ કર્યા હતાં. જેમાં તેમણે નવી મોદી સરકાર, કલમ 370, મોબ લિન્ચિંગ, અર્થકારણ અને મહિલા સશક્તિકરણ સહિતનાં મુદ્દાઓને પ્રાધાન્ય આપીને સમાવી લીધા હતાં. તેમણે લિન્ચિંગ શબ્દનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ શબ્દ ભારતીય પરંપરાનો હિસ્સો નથી. પરંતુ તેનો ઉપયોગ કરીને ભારતને બદનામ કરવાના  પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર એક સમુદાયનાં લોકો દ્વારા બીજાને ઈજા પહોંચાડયાનાં સમાચારો આવતા હોય છે. આવું બન્ને પક્ષેથી થતું હોય છે પણ આવી ઘટના માટે એક સમગ્ર સમુદાયને જવાબદાર ગણાવી નાખવામાં આવે છે. લિન્ચિંગ જેવો શબ્દ આપણે ત્યાં ક્યારેય હતો જ નહીં. જ્યાં આવી ઘટનાઓ ઘટે છે ત્યાંથી આ શબ્દ આપણે ત્યાં આવ્યો છે. આપણે ત્યાં કેટલીક આવી ઘટનાઓ બની તેમાં કાનૂની કાર્યવાહી પણ થઈ છે. બહારથી આવેલા આવા શબ્દથી ભારતને બદનામ કરવામાં આવે છે. આટલી વિવિધતા ધરાવતા દેશમાં જેટલી શાંતિથી લોકો રહે છે તેવું દુનિયામાં ક્યાંય જોવા મળતું નથી. સંઘનાં સંસ્કાર છે કે જ્યાં પણ હોય ત્યાં કાયદાનું પાલન કરે છે. આવી જ રીતે આપણાં દેશમાં પણ બધાએ કાયદાનું પાલન કરવાનું જ હોય.  કલમ 370 મુદ્દે તેમણે સરકારની ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, આ સાહસિક અને કઠોર પગલું હતું. જનસંઘનું પ્રથમ આંદોલન કલમ 370 હટાવવા માટેનું જ હતું. સંસદનાં બન્ને ગૃહોએ તેમાં સહકાર આપ્યો અને વડાપ્રધાન-ગૃહમંત્રી તેનાં માટે અભિનંદનને પાત્ર છે. આ ઉપરાંત ચંદ્રયાન-2ને પણ તેમણે દેશની મોટી સફળતા ગણાવી હતી. જ્યારે મહિલા સુરક્ષા વિશે તેમણે ચિંતા પ્રગટ કરી હતી અને માતૃશક્તિ ઘર કે બહાર સુરક્ષિત ન હોવાનું કહીને આને ભારતની શરમ ગણાવી હતી. છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયામાં ભારતનો દબદબો વધ્યો હોવાનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. જ્યારે પાક. વડાપ્રધાન ઈમરાન ખાન સંઘને જાણ્યા વિના તેનાં વિશે કુપ્રચાર કરતાં હોવાનો પ્રહાર પણ ભાગવતે કર્યો હતો.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer