કાશ્મીર મુદ્દે પાકને ચીનનો ઠેંગો

નવી દિલ્હી, તા. 8 : ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની યાત્રાએ આવે તે પૂર્વે જ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને તેનાં સદાબહાર દોસ્ત દેશ ચીને ઠેંગો બતાવી દીધો છે. અત્યાર સુધી ચીન કાશ્મીર વિવાદનો સંયુક્ત રાષ્ટ્ર ઘોષણાપત્ર, સુરક્ષા પરિષદનાં ઠરાવો અને દ્વિપક્ષી કરારો અનુસાર જ ઉકેલ આવવો જોઈએ તેવો દુરાગ્રહ વ્યક્ત કરતું આવ્યું છે, પણ હવે તેણે કહી દીધું છે કે, આ મામલો બન્ને દેશે સંવાદ અને મસલતોથી દ્વિપક્ષી રાહે ઉકેલવો જોઈએ. સમગ્ર વિશ્વમાં કોઈએ પણ કાશ્મીર મામલે હાથ ન ઝાલ્યા બાદ પાક.ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ફરી એકવાર ચીન દોડી ગયા છે અને જિનપિંગની ભારતયાત્રા પહેલાં તેમની કાન ભંભેરણી કરવાના પ્રયાસો પણ કરશે. જો કે ઈમરાનની આ કારી ફાવી નથી. કારણ કે ઈમરાન ચીનમાં મોજૂદ છે તેવા ટાણે જ ચીને સ્પષ્ટ કરી દીધું છે કે, આ દ્વિપક્ષી બાબત છે.ઈમરાન આ મુલાકાતમાં જિનપિંગ અને પ્રધાનમંત્રી લી કેક્વીઆંગ સહિતના શીર્ષસ્થ ચીની નેતૃત્વને મળવાનાં છે. આ વર્ષમાં ઈમરાનનો આ ત્રીજો ચીનપ્રવાસ છે. પાક.નાં સૈન્યપ્રમુખ જનરલ કમાર જાવેદ બાજવા પણ ચીની સેનામાં પોતાનાં સમકક્ષો સાથે ઉચ્ચસ્તરીય બેઠકો કરવાનાં છે. જો કે આ વાટાઘાટોમાં કાશ્મીર મામલાની ચર્ચા કરવામાં આવી રહી છે કે નહીં તેવા સવાલનો જવાબ આપતાં ચીનનાં વિદેશ ખાતાનાં પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે, આ વિવાદમાં બીજિંગનું વલણ સાતત્યપૂર્ણ છે. ચીન દ્વારા ભારત અને પાક. બન્નેને કહેવામાં આવી રહ્યું છે કે, કાશ્મીર મામલાનો વાટાઘાટ અને પારસ્પરિક વિશ્વાસથી ઉકેલ લાવવો જોઈએ. જે બન્ને રાષ્ટ્ર અને દુનિયાની મહત્ત્વાકાંક્ષાઓને અનુરૂપ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer