મંદીની માર વચ્ચે વાહનોનો ઘોડો દોડયો ખરો

ભુજ, તા. 8 : ઓટોમોબાઈલ ક્ષેત્રે સમગ્ર દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દશેરાના દિવસને વાહન ખરીદીમાં શુકનવંતો ગણવામાં આવે છે. કચ્છમાં ખરીદીમાં થોડી અસર તો પડી હતી, પરંતુ કંપનીઓને અગાઉથી જ અણસાર મળી ગયા હોવાથી ગયા વર્ષ કરતાં સારી-સારી ઓફર આપવામાં આવતાં એકંદરે એમ કહી શકાય કે મંદીની માર વચ્ચે પણ દશેરાનો ઘોડો દોડયો ખરો... ખાસ કરીને ચાર કે બે પૈડાંવાળાં વાહનોની દશેરા, ધનતેરસ કે દિવાળી જેવા તહેવારોમાં ખરીદી કરવાવાળાની સંખ્યા વધારે રહે છે. લોખંડની બનાવટના સાધનો દશેરાના દિવસે ખરીદી કરવાવાળો વર્ગ પણ શુકન માને છે. એટલે આજે વાહન ખરીદીનું મુહૂર્ત હોય છે. કંપનીઓ પણ અગાઉથી તેની તૈયારીઓ કરી લેતી હોય છે. કચ્છમાં કાર્ગો મોટર્સવાળા મોટા ડીલર એવા વિમલ ગુજરાલ કહે છે કે, ઓટો મોબાઈલમાં અત્યારે મોટી મંદી ચાલે છે એ વાત સાચી છે. એટલે જ ગ્રાહક આકર્ષાય એ જાતની ઓફર અગાઉથી મૂકી દીધી હતી. તેમના હસ્તકનાં ચાર પૈડાંવાળાં વાહન હજુ એટલા વેચાયા નથી. કારણ કે ચાર પૈડાંવાળાં વાહનોની મોટા ભાગે દિવાળીમાં ખરીદી થતી હોય છે. આજે દશેરાના એક્ટિવાજેવા વાહનો વધુ ખરીદી થયા હતા. ભુજ-ગાંધીધામમાં 250નું વેચાણ રહ્યું હતું. તો મારુતિ કંપનીની કાર સામાન્ય માણસ પણ ખરીદી કરી શકે એટલે મારુતિનું ચલણ સરેરાશ વધારે રહે છે. ભુજ સ્થિત મારુતિના ડીલર કૈલાસ મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોને ફાયદો થાય તેવી ઓફરો મુકાઈ છે. મારુતિની 40 ગાડી વેચાઈ છે. જ્યારે હીરો કંપનીનાં બે પૈડાંવાળાં વાહનમાં ગયા વર્ષની તુલનાએ 40 ટકા ઉછાળો આવ્યો છે. હ્યુન્ડાઈ અને મહિન્દ્રાના ડીલર રાજુભાઈ રામચંદાણીએ જણાવ્યું કે, અત્યારે સમગ્ર દેશમાં ચાલતી સ્થિતિને જોતાં દરેક વાહન ઉત્પાદક કંપની અલગ-અલગ કારણોસર ઓફરો મૂકે છે. અમારા હસ્તક ભુજ અને ગાંધીધામમાં આજે 55 કાર વેચાઈ છે પણ એ વાત સાચી છે કે મંદીની અસર તો છે જ. અંજારથી પ્રાપ્ત વિગતો અનુસાર વિજયાદશમી પર્વની ઉત્સાહ સાથે ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી થઈ હતી. બજારમાં મંદી-સુસ્તીના માહોલ વચ્ચે 100થી વધુ બાઈક, સ્કૂટરની ખરીદી તેમજ ફોર વ્હીલર સહિતના વાહનોની ધૂમ ખરીદી થઈ હોવાનું ડીલરોએ જણાવ્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer