ક.વી.ઓ. સમાજના આર્થિક સંકટનો મામલો દિલ્હી ભણી..

કનૈયાલાલ જોશી તરફથી - મુંબઈ, તા. 8 : કચ્છી વીસા ઓસવાળ સમાજના કરોડો રૂપિયા દબાવી દેનારા ડિફોલ્ટરોને ઠેકાણે લાવવા કચ્છી સહિયારું અભિયાન મેદાને પડયું છે. સમજાવટના અનેક પ્રયાસો નિષ્ફળ ગયા પછી હવે આ મામલો સહિયારું અભિયાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સમક્ષ લઈ જવાનો નિર્ણય કર્યો છે અને તેમની મુલાકાત લેવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે. સહિયારું અભિયાનના કાર્યકર્તાઓએ આ પહેલાં દેશના આગેવાન સમાજસેવક અણ્ણા હઝારેને રૂબરૂ વિગતવાર રજૂઆત કરી હતી. આ વરિષ્ઠ નેતાએ નાદુરસ્ત તબિયત હોવા છતાં મળવાનો સમય આપ્યો હતો અને બધી રજૂઆત સાંભળ્યા પછી આમરણ ઉપવાસ આંદોલન છેડવાના લેણદારોના નિર્ણયને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને પોતાના ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન વતી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ માહિતી આપતાં કચ્છી સહિયારું અભિયાનના કાર્યકર્તાઓ ધીરજ છેડા `એકલવીર' અને અનિલ ગાલા (વડાલા)એ જણાવ્યું હતું કે આ પ્રશ્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆત કરવા ટૂંક સમયમાં મુલાકાત લેવાની તૈયારી આરંભી દીધી છે. બીજી તરફ અભિયાનના ધીરજ છેડા અને અનિલ ગાલા (વડાલા), આરએચ એસોસિયેટ્સ વતી લેન્ડર્સ એકતા સમિતિ વતી જ્હોની શાહ (ભાયખલા) અને પંકજ ગડા (માટુંગા)એ તા. 1/10ના રોજ રાણેગણસિદ્ધિ ખાતે સમાજસેવક અણ્ણા હઝારેની મુલાકાત લીધી હતી. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે ત્રણ કલાક સુધી આરએચના પાર્ટનરો અને તેની કંપનીઓ વિરુદ્ધ કરેલી રજૂઆત સાંભળી હતી. વિધવા બહેનો, સિનિયર સિટીઝન, દિવ્યાંગ ભાઈ-બહેનો અને અન્ય લેણદારોના પૈસા તેમની પાસે છે. કેટલાકે તો જીવનમૂડી તેમની પાસે ધરી દીધી છે. આ વર્ણન સાંભળીને લોકનેતા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને પોતાની સંસ્થા તરફથી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને તબિયત ઠીક હશે તો આમરણ ઉપવાસના પ્રથમ દિવસે આરંભ કરવા આવવાનું પણ આશ્વાસન આપ્યું અને સરકારના દરેક વિભાગમાં કાર્યવાહી માટે સહયોગ આપવાનું પણ જણાવ્યું હતું. ધીરજ છેડા `એકલવીર' અને અનિલ ગાલા (વડાલા)એ આગળ કહ્યું હતું કે, લેણદારો આમરણ ઉપવાસ કરવાના છે જેના માટે જરૂરી અમુક પરવાનગીઓ લેવાઈ ગઈ છે. આરએચ લેન્ડર એકતા સમિતિ વતી જ્હોની શાહ (ભાયખલા) આરએચના 547 લેણદારો ગાંધી ચીંધ્યા માર્ગે લડી લેવા તૈયાર છે. સહિયારું અભિયાનનું તેમાં પૂરેપૂરું સમર્થન છે. આમ છતાં ડિફોલ્ટર માટે અભિયાનનાં દ્વાર ખુલ્લાં છે. કોઈ સરળ રસ્તો નીકળતો હોય તો સહકાર આપવા અભિયાન તૈયાર છે. અભિયાનના આ બંને કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આરએચના પાર્ટનરો સાથે ઘણી બેઠકો કરી. તેઓ ક્યારેય એકમત થયા નહીં. લેણદારોને તેમના પૈસા પાછા આપવાની તૈયારી બતાવી નહીં. અમે લેણદારો સાથે છીએ. ન્યાય નહીં મળે ત્યાં સુધી સાથે રહીશું. અભિયાન પાસે જેમની ફરિયાદ આવી છે એ બધા લેણદારો માટે તમામ પ્રયાસો કરીશું. આરએચ એસોસિયેટ્સ સામે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં કેસ કર્યો છે.અભિયાનની ટીમમાં 7 સીએ, 7 એડવોકેટ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પોતાનો સમય આપે છે અને અભિયાન વતી પોતાની કામગીરી બજાવે છે. ડિફોલ્ટરો સાથે વાતચીતના માધ્યમથી મામલો ઉકેલીને લેણદારોને તેમના પૈસા પાછા અપાવ્યા છે. અમારી નિષ્ઠાભરી કામગીરીમાં રૂકાવટ લાવવા કેટલાક ડિફોલ્ટરો વોટ્સએપર દુષ્પ્રચાર કરે છે. ખોટા મેસેજ વહેતા કરે છે. અમારા સમાજના લોકોને વિનંતી છે કે સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શનિવારે કાર્યાલયમાં મિટિંગ યોજીને કામ કરવામાં આવે છે. અમારી કામગીરી આ ત્રણ દિવસ દરમિયાન જાતે જોવા આવવા અમારી વિનંતી છે. અમારા કાર્યમાં સહયોગ આપવા પણ અમારો અનુરોધ છે. બીજી તરફ આમરણ ઉપવાસના આંદોલનને સમાજ તરફથી જોરદાર સમર્થન મળી રહ્યું છે. ઇતર જ્ઞાતિના લોકોએ ટેકો આપ્યો છે. કચ્છમાંથી કચ્છી કવિ 92 વર્ષીય માધવ જોશી `અશ્ક' અને બીજા અનેક લોકોએ ફોન પર ઉપવાસમાં જોડાવાની ઇચ્છા દર્શાવી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer