આયુષ્માન ભારતમાં નોકરીના નામે ઠગાઈનો કારસો

કિશોર ગોર દ્વારા - ભુજ, તા. 8 : આયુષ્માન ભારત યોજના પ્રોજેક્ટમાં રૂા. 22 હજાર માનદ વેતન ઓપરેટરને અપાશે, અરજદારે એગ્રીમેન્ટના કુલ્લ ખર્ચ 750 પૈકી અરજીપત્રક સાથે રૂા. 550 ઓનલાઈન ચૂકવવાના રહેશે તેવા ફરતા થયેલા મેસેજ ઠગાઈનો કારસો હોવાનું આયુષ્માન ભારત યોજના અને મા યોજનાના જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે. આયુષ્માન ભારત યોજના તા. 23/9/2008થી અમલમાં આવી છે. તે અંતર્ગત એસઈસીસી-2018ની યાદી મુજબના માપદંડો ધરાવતા પરિવારોને સરકાર દ્વારા વાર્ષિક પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર યોજના સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મળવા પાત્ર છે. રોયલ કન્સલ્ટન્સી નામની એજન્સી જે પોતાનું સરનામું જી-17, ગોલ્ડન પ્લાઝા, સ્ટેશન રોડ, હોટલ કે.બી.એન.ની બાજુમાં ભુજ-કચ્છ-370001 બતાવી નોકરી આપવાની શરતે 750  રૂપિયા તેમાંથી 550 એડવાન્સ ચૂકવવા જણાવી આયુષ્માન ભારત યોજનાના નામે લૂંટ ચલાવી રહી છે. આવી (રોયલ કન્સ્લટન્સી) કોઈ એજન્સીને આયુષ્માન ભારત અંતર્ગત કામગીરી સોંપવામાં આવેલી નથી. એજન્સીની વાતોમાં ન આવતાં જાગૃત નાગરિક તરીકે યોગ્ય તપાસ કર્યા બાદ જ આગળ વધવા તંત્રએ સલાહ આપી છે. આ યોજના અને આયુષ્માન ભારતના જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર બિપિન આહીરે જણાવ્યું હતું કે આયુષ્માન ભારત પ્રોજેક્ટ અંતર્ગત રોયલ કન્સલટન્સી નામની એજન્સીને કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ અપાયો નથી. તેથી તેના દ્વારા આવતા ઈ-મેઈલ પર કે કોઈપણ જાતનું ઓનલાઈન પેમેન્ટ કરવું નહીં. જો આ એજન્સીને તમે આયુષ્માન ભારત પ્રેજક્ટ અંતર્ગત કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મેળવવાના બદલામાં કરાર કરવા માટે 550રૂા.નું એડવાન્સ પેમેન્ટ મગાયું હોય તો ચૂકવણું ન કરવું. આ એજન્સીનું અરજી ફોર્મ સોશિયલ મીડિયામાંથી મળ્યું. ત્યારબાદ તેની તપાસ કરવા માટે અરજીપત્રકમાં બતાવેલા એડ્રેસ પર મુલાકાત કરવા ગયા પરંતુ આવી કોઈ એજન્સીની ઓફિસ ન મળતાં આજુબાજુની દુકાનો અનેસ્ટેશન રોડ પર દુકાનદારોને પૂછતાં જાણવા મળ્યું કે આવું કોઈ એપાર્ટમેન્ટ કે ઓફિસ નથી. સ્ટેશન રોડ પર હોટલ કે.બી.એન.ની આજુબાજુમાં ગોલ્ડન પ્લાઝા નામનું એપાર્ટમેન્ટ જ ન હોતાં છેવટે અરજીપત્રક પર દર્શાવેલી ઓનલાઈન પેમેન્ટ માટેના બારકોડ સ્ટીકર સ્કેન કરી તેના પર 85/16/5943 નં. મળ્યા તે નંબર સતત બંધ જ બતાવે છે. આ તમામ હકીકત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને જણાવી તેમના માર્ગદર્શન હેઠળ ફરી  તપાસ કરવામાં આવી. છેવટે આ એજન્સી વિરુદ્ધ ફરિયાદ કરવા અને યોગ્ય તપાસ કરવા પોલીસ તંત્રને રજૂઆત કરાઈ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer