ગાંધીધામમાં યુવાન ઉપર ત્રણ જણે છરીથી કર્યો જીવલેણ હુમલો

ગાંધીધામ, તા. 8 : શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં ગરબી દરમ્યાન એક યુવાનને માર મારવા અંગે સમાધાન કરવા જતાં ત્રણ શખ્સે એક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. મહેશ્વરીનગરના ચોકમાં ગઇકાલે રાત્રે ગરબી ચાલી હતી તે દરમ્યાન દિલીપ ફમા અને અમન માતંગનો કોઇ બાબતે ઝઘડો થયો હતો. આ શખ્સ અમને દિલીપને માર માર્યો હતો. જેમાં ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં દિલીપના કુટુંબીજનો પહોંચ્યા હતા અને ઝઘડો વધારવો નથી તથા અમન માતંગના પિતા પાસે જઇ આ અંગે સમાધાન કરવા આ લોકોએ નક્કી કર્યું હતું. પરિણામે ભાવિન કરસન ફમા, ભાવેશ દામજી મહેશ્વરી, મનોજ ફમા, રાહુલ ફમા બાઇકમાં બેસીને રવાના થયા હતા.આ ચારેય ગોપાલપુરી પાછળ રેલવે ટ્રેક સમાંતર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગયા હતા. અમનના ઘર પાસે જતાં ત્યાં અમન, હરેશ અને તેના પિતા નામોરી માતંગ હાજર હતા. આ ચારેય લોકોએ આ ત્રણેયને સમજાવવાની કોશિશ કરતાં આ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતા અને અમન તથા હરેશે પોતાની પાસે રહેલી છરીઓ વડે ભાવેશના ગળા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. રાહુલ વચ્ચે પડતાં આ શખ્સોએ તેને પણ માર માર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ગંભીર રીતે ઘવાયેલા ભાવેશની હાલત નાજુક જણાતાં તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. આ હિચકારા બનાવને અંજામ આપીને આ ત્રણેય શખ્સો નાસી ગયા હતા જેને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer