મહિલા ચૂંટાય છે, બાકી વહીવટ પુરુષ ચલાવે છે

ભુજ, તા. 8 : કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાજિક બદલાવ લાવવા માટે એક દિવસીય તાલીમ રાખવામાં આવી હતી. જેમાં દેવરિયા, કુંભારિયા, સુગારિયા, આંબાપર તેમજ ગ્રામીણ સ્તરે સામત્રા, સિનોગ્રા અને ભલોટ એમ સાત ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સભ્યો, સામાજિક આગેવાનો જોડાયા હતા. સામાજિક દ્રષ્ટીકોણની તાલીમમાં લોકોને પહેલાં સમાનતા લાવવાના ભાગરૂપે બધાને પોતાના પરિચયથી શરૂઆત કરવામાં આવી હતી. પિતૃસતાની સોચ ધરાવતા દેશમાં સમાજમાં બહેનોને સમાનતાના હક્ક મળ્યા નથી અને તેમાં બદલાવ લાવવા માટે વિચારોમાં ફેરફાર કરવો ખૂબ જરૂર બને છે. સમાજના સમતોલ વિકાસ માટે સમાજના બંને વર્ગને સમજી નિર્ણય કરવો ખૂબ જરૂરી છે અને આજે પણ સામાજિક બંધનમાં બહેનો ગામડાઓમાં ઘુંઘટ પ્રથા હોવાથી સામે કોઈ વડીલ પુરુષ હોય તો તેની સામે ખુરશી પર બેસતી નથી અને જો બહેન ગામના સરપંચ હોય તો પણ આવા સામાજિક બંધનમાં રહેવું પડે છે જે તાલીમમાં જોડાયેલી બહેનોએ રજૂઆત કરી હતી. આવા અનેક સામાજિક બંધનમાં બહેનોને રહેવું પડે છે. સમાજના સમતોલ વિકાસ માટે ત્રી અને પુરુષના બન્નેના વિચારો સાથે રાખી સામાજિક બદલાવ લાવવો જોઈએ. દરેક સમાજમાં ભાઈઓ માટે એટલા બંધન હોતા નથી. આજે પંચાયતમાં પ0 ટકા મહિલાઓ માટે અનામત બેઠકો હોવા છતાં અનેક જગ્યા પર બેનનું નામ જ હોય છે અને જ્યારે વહીવટ એના ઘરના કોઈ પુરુષ દ્વારા કરવામાં આવે છે. અંજાર તાલુકા વિકાસ અધિકારી એ. જે. દેસાઈએ વિવિધ યોજના અને પંચાયતના વિકાસમાં બહેનોની સક્રિય ભાગીદારીથી જોડાય તેમજ પંચાયતને નડતા કોઈ પણ પ્રશ્નો હોય તો ગમે ત્યારે અમને લખીને આપશો તો તેની પર ચોક્કસ ધ્યાન આપીને મદદરૂપ થશું. દરેક ગામમાંથી એવી રજૂઆત આવી કે અમારા ગામમાં સસ્તા અનાજની દુકાનેથી બી.પી.એલ. કાર્ડ ધારક સિવાયના લોકોને કોઈ પણ પ્રકારનું અનાજ મળતું નથી તેમજ ગામ સફાઈ માટેની પણ રજૂઆત થઈ હતી. જેમાં ભલોટ ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવ્યું કે કોઈ સફાઈ કરવા માટે તૈયાર થાય તો તેને વેતન પણ ચૂકવવામાં આવશે તેમજ સુગારિયા ગ્રામ પંચાયતે  ગામમાં પ્લાસ્ટિકના ઝબલાના વપરાશ પર પ્રતિબંધ મૂકયો છે. સુગારિયા ગામના પંચાયત સદસ્ય દ્વારા દરેક ગામને આવી પહેલ કરવા સૂચન કરેલ જેથી ગામ પણ સ્વચ્છ રહે અને પર્યાવરણ પણ સારું રહે. આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે લતાબેન સચદે રહ્યા હતા અને વ્યવસ્થા અને આયોજન કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી દીનાબેન ધોળુ અને યોગેશ ગરવાએ સંભાળી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer