...અને સુધરાઇના હોદ્દેદાર સહિતને ભાજપના યુવા નેતાએ આડેહાથ લીધા

ભુજ, તા. 8 : તાજેતરમાં શહેરમાં કોમર્સ કોલેજ સામેની બાજુ મુખ્ય ગટરલાઇન ઊભરાઇ હતી જેના ગંદાં પાણી ભાજપના જ યુવાનેતાના ઘર સુધી પહોંચતાં તેણે સુધરાઇના હોદ્દેદારો તથા ટીમને આડેહાથ લીધા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં ગટરની સમસ્યા માથું ફાડી રહી છે. અનેક વિસ્તારમાં દૂષિત પાણી ઊભરાતાં લોકો ત્રસ્ત બન્યા છે. મુખ્ય લાઇનની નિભાવણી તથા નવી લાઇનો નાખવા પાછળ  લાખો-કરોડોના ખર્ચ છતાં સમસ્યા ઠેરની ઠેર છે ત્યારે કોમર્સ કોલેજની સામે તરફની વી.આર. નગર કોલોનીમાં મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતાં દૂષિત પાણી ભાજપના એક અગ્રણીના ઘર સુધી પહોંચતાં તેમણે સુધરાઇના સત્તાધીશો તથા ઇન્જિનીયર અલગ-અલગ શાખાના હેડ સહિત તમામને ત્વરિત બોલાવી આડેહાથ લીધા હતા. અલબત્ત, સુધરાઇની ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી હતી અને સમસ્યા ઉકેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગટર શાખાની કામગીરીમાં સતત ઉથલ-પાથલ થતી રહે છે જેને પગલે કામ ખોરંભાય છે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું.  છેલ્લા કેટલાક સમયથી ક્યારેક હમીરસરમાં ગટરના પાણી ભળે છે તો કયારેક લોકોના ઘરમાં પાણી ઊભરાય છે ત્યારે આ સમસ્યાને સત્વરે ઉકેલાય તેવી લોકમાંગ ઊઠી છે.  થોડા સમય પહેલાંના  કામે પોત પ્રકાશ્યું  ભુજના સિટી બસસ્ટેશન નજીક નવી જ ગટરલાઇન નખાઇ જેનું જોડાણ બસ સ્ટેશન માર્ગે લાઇનમાં અપાયું પરંતુ માર્ગ વચ્ચે જ લાઇન તૂટેલી હોવાથી અથવા તો અન્ય કારણસર વરસાદ સમયે ગટરના પાણી માર્ગમાંથી નીકળ્યા હતા. લાખોનો ખર્ચ મંજૂર થઇ ગયો ત્યારે આવા નબળાં કામને પગલે રોષ ફેલોયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer