નર્મદાની અધૂરી કેનાલો તરત પૂરી કરવાની રૂપાણીની ખાતરી

ભુજ, તા. 8 : સૌરાષ્ટ્રના પાણીપ્રશ્ન માટે સક્રિય વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વામી માર્ગીય સ્મિતના વડપણ તળે હાલ મુંબઇ વસતા કચ્છી આગેવાનોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને નર્મદા પ્રશ્ને રજૂઆત કરી હતી. નર્મદા સંબંધિત કામગીરી સત્વરે પાર પાડવાની ધરપત મુખ્યપ્રધાને આપી હતી. શ્રી રૂપાણીનાં નિવાસસ્થાને જ મુલાકાત કરીને યોજેલી બેઠકમાં જમીન સંપાદન, પાણી પુરવઠો, કચ્છ માટે નર્મદા કેનાલનાં કામો વિના વિલંબ પૂરા કરવા સહિત મુદ્દે ચર્ચા-રજૂઆત કરાઇ હતી. મુખ્યપ્રધાને કચ્છમાં નવા કલેકટરને જમીન સંપાદનના વિશેષ અધિકાર આપી દેવાયા હોવાનું કહેતાં અધૂરી કેનાલો સત્વરે પૂરી કરવાની ધરપત આપી હતી. વેડફાતાં પાણીના સંગ્રહ માટે પણ તરત કામગીરીની ખાતરી રૂપાણીએ આપી હતી. સ્વામી ઉપરાંત વેલજીભાઇ ટોકયો, દેવચંદ બાપા, મોહન બાપા, જીતુભાઇ શાહ તેમજ બળદિયાના પરબતભાઇ સહિત આગેવાનો જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer