નાની ધુફીમાં 350 એકર ખેતીલાયક જમીનમાં દબાણ

નાની ધૂફી (તા. અબડાસા) તા. 8 : અબડાસાના રોડ ટચ એવા નાની ધૂફી ગામે સરકારી, ગૌચર અને ઘોરાડ અભયારણ્ય માટે અનામત રખાયેલી હોય એવી 350 એકર ખેતી લાયક જમીન ગેરકાયદે ખેડવાણ કરી 63 જેટલા લોકોએ દબાણ કરી નાખ્યું હોવાની ફરિયાદને પગલે દબાણ હટાવવા સૂચના અપાઇ ગઇ હોવા છતાં પેશકદમી ખાલી થતી નથી. અરજદાર અજયસિંહ પ્રાગજી જાડેજા આ બાબતે લાંબા સમયથી ફરિયાદો કરતા આવે છે. તેમણે સરકારી અને ગૌચર જમીન બચાવવા અગાઉ કલેકટર સમક્ષ કરેલી રજૂઆતના પગલે એક વખત દબાણ હટાવાયું હતું પરંતુ ફરી એ જ જગ્યાએ તલી સહિતના પાકનું મોટા પાયે વાવેતર કરી નાખવામાં આવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે ખુદ તાલુકા મામલતદારે 63 વ્યક્તિઓના નામજોગ હુકમ કર્યો હતો અને દબાણ છે તેવું સાબિત કરી જમીન ખાલી કરાવવા જણાવ્યું હોવા છતાં જમીન ખાલી થતી નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમુક મહેસૂલી કર્મચારીઓ પણ આ દબાણ પ્રવૃતિમાં સામેલ  છે. કિંમતી જમીનો હડપ કરવાનો આ એક મોટો કારસો છે. વરસાદ થતાં જ  સબ ભૂમિ ગોપાલ કી એમ માની  ગામની જમીનો ખેડી નાખવામાં આવી છે. દબાણ મામલે તેમણે મુખ્ય-મંત્રી સમક્ષ પણ ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આદેશ કરાયો હોવા છતાં પેશકદમી હટાવાતી નથી. 350 એકરમાં અગાઉ ઘોરાડ અભયારણ્ય માટે અનામત રખાયેલી 600 હેકટર જમીનમાંથી એકસોથી વધારે આ વનતંત્ર હસ્તકની પણ જમીન પર ગેરકાયદે વાવેતર કરી નાખવામાં આવ્યું હોવાનું જણાવી હવે આ દબાણ નહીં હટે તો આગળની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer