અપહરણ કેસમાં અંજારની કોર્ટે કરેલી સજા હાઇકોર્ટમાં રદ : ગેરમાર્ગે દોરનારો અરજદાર દંડાયો

ભુજ, તા. 8 : સગીર વયની કન્યાના અપહરણના કેસમાં અંજાર સ્થિત જિલ્લા અદાલત દ્વારા બે વર્ષની કેદ સહિતની સજા પામનારા મહેસાણા જિલ્લાના નંદાસર ગામના ચાર આરોપીની સજા હાઇકોર્ટ દ્વારા રદ કરાઇ હતી અને તેમને છોડી મૂકવાનો આદેશ કર્યો હતો, તો બીજીબાજુ જમીન અંગેના કેસમાં કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ અરજદારની અરજી રદ કરીને તેને રૂા. 10 હજારના દંડની સજા ભુજ સ્થિત જિલ્લા કોર્ટે કરી હતી. નંદાસર (મહેસાણા)ના જેન્તીભાઇ વિરમદાસ પટેલ, સંદીપ ભરતભાઇ પટેલ, મૌલિક જોઇતારામ પટેલ અને જોઇતારામ વિરમદાસ પટેલ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 363, 366 અને 114 મુજબનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં અંજાર ખાતેની અધિક જિલ્લા અદાલત દ્વારા ઓગષ્ટ - 2019માં આ ચારેય તહોમતદારને તકસીરવાન ઠેરવી તેમને બે વર્ષની કેદ અને રૂા. 10 હજારના દંડની સજા ફટકારી હતી. આ હુકમ સામે રાજ્યની વડી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બન્ને પક્ષને સાંભળી આ ચારેય આરોપીને છોડી મૂકવાનો આદેશ કરતાં અંજારની અદાલતનો સજાવાળો ચુકાદો રદ કરતો હુકમ કર્યો હતો.  બીજીબાજુ ભુજ તાલુકાના પદ્ધર ગામની સીમમાં આવેલી ખેતીની જમીનના વેચાણ માટે પરવાનગી માટેના એક કેસમાં અદાલતને ગેરમાર્ગે દોરવા બદલ અરજદાર શામજી પ્રેમજી હડિયા સોરઠિયાની અરજી નામંજૂર કરીને તેમને 10 હજારના દંડની સજા કરાઇ હતી. ભુજની અધિક જિલ્લા અદાલતે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સામાવાળા વાંધાદાર વતી વકીલ તરીકે જિતેન્દ્ર આર. બારમેડા, વિવેકસિંહ આર. જાડેજા, ગુંજન કે. જોશી અને પ્રવીણસિંહ એમ. જાડેજા રહ્યા હતા.  બિદડાના પરિવારનો છુટકારો માંડવી તાલુકાના બિદડા ગામના રાજેશ નારાણ ઝોલા, તેમના પિતા નારાણભાઇ ડાહ્યાભાઇ અને માતા ચાગબાઇ સામે ત્રાસ અને માર મારવા સહિતના આરોપસર દાખલ કરાવાયેલા ફોજદારી કેસમાં આ ત્રણેયનો નિર્દોષ છૂટકારો થયો હતો. રાજેશના પત્ની ભાવનાબેન (મોટા કાંડાગરા) દ્વારા આ ફરિયાદ લખાવાઇ હતી. આ કેસ મુંદરાના ન્યાયાધીશ જગદીશ એસ. પ્રજાપતિ સમક્ષ ચાલી જતાં તેમણે આ ચુકાદો આપ્યો હતો. આરોપીઓ તરફે વકીલ તરીકે મુંદરાના કૈલાસદાન કે. ગઢવી અને કાનજી એસ. સેડા રહ્યા હતા.  લૂંટના કેસમાં જામીન  ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા લૂંટ સહિતની કલમો તળેના ફોજદારી કેસમાં ધરપકડ કરાયેલા આરોપી ઇમરાન ઉર્ફે બલી મામદ આરબને જામીન અપાયા હતા. જિલ્લા અદાલતે શરતી જામીન આપતો આ આદેશ કર્યો હતો. આરોપી વતી વકીલ તરીકે સઇદબીન એ. આરબ રહ્યા હતા. ચેકના કેસમાં નિર્દોષ મુકત પાંચ લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત ફરતાં કરાયેલા નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં આરોપી ભુજના હરેશ પરમારને નિર્દોષ ઠેરવતો ચુકાદો કોર્ટે આપ્યો હતો. ભુજના મેહુલ હરિરામ કોઠારી દ્વારા આ કેસની ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વત્સલ એચ. ઠક્કર રહ્યા હતા.ફોરમનો વળતરનો ચુકાદો  એચ.આઇ.વી. રોગના કારણે મૃત્યુ પામેલા દર્દીના કેસમાં વળતરની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા માટે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આદેશ કર્યો હતો. ભોગ બનનાર દર્દીને એચ.આઇ.વી. હોવાની વિગતો છુપાવાઇ હોવાનું કારણ આગળ ધરીને એલ.આઇ.સી. દ્વારા વળતરનો દાવો નકારી કઢાતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. મરનારને આ અસાધ્ય રોગ હોવાનું પુરવાર કરવાની જવાબદારી એલ.આઇ.સી.ની છે અને તે તેવું કરવામાં નિષ્ફળ રહ્યાનું તારણ આપી ફોરમે વળતરની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં અરજદાર વતી વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા. બોગસ દસ્તાવેજમાં આગોતરા પૂર્વ કચ્છના રાપર પોલીસ મથકમાં દાખલ થયેલા હમીરપર મોટી ગામની જમીનના ખોટા દસ્તાવેજ વિશેના કેસમાં આરોપી નરસંગ કાનજી ચૌધરીની આગોતરા જામીનની અરજી મંજૂર કરાઇ હતી. અધિક સેશન્સ જજ એચ.એચ. કનારા દ્વારા આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાતો ન હોવાનું તારણ આપીને આ હુકમ કરાયો હતો. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે દેવાયત એન. બારોટ સાથે ખીમરાજ ગઢવી, ઉમૈર સુમરા, ચન્દ્રેશ ગોહિલ, રામ ગઢવી, રાજેશ ગઢવી અને જિજ્ઞાબેન વાઘેલા રહ્યા હતા. ઉચાપતના કેસમાં આગોતરા અંજાર પોલીસ મથકમાં ઇન્ડિયા હોમ લિમિટેડના મેનેજર રૂપમ યાજ્ઞિકે શ્રીજી કન્ટ્રકશનના સંચાલક મૌલિક નવીનચન્દ્રભાઇ ઠક્કર સામે વિશ્વાસઘાત અને ઉચાપત બાબતે તથા આ અનુસંધાને ધમકી આપવા બાબતે વિમલ મહેતા સામે નોંધાવેલા કેસમાં આરોપીને આગોતરા જામીન આપતો આદેશ કરાયો હતો. આ કેસમાં વિમલ મહેતાને આગોતરા જામીન અદાલત દ્વારા અપાયા હતા. આ કેસમાં આરોપી વતી વકીલ તરીકે મહમદઇકબાઇ એ. દેદા અને કુનાલ સી. ચંદે રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer