લીલા દુકાળ થકી રાપર-ભચાઉ તા.માં ખેતીમાં થયેલી નુકસાનીનો ઝડપભેર સર્વે કરો

ભચાઉ, તા. 8 : કચ્છમાં નવરાત્રિ સુધી ચાલુ રહેલી મેઘમહેરના કારણે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતાં ખેતીને મોટાપાયે નુકસાની થઈ છે, જે અંતર્ગત ભારતીય કિસાન સંઘ દ્વારા ભચાઉ-રાપર તાલુકામાં થયેલી નુકસાનીનો ઝડપભેર સર્વે કરવા તથા ગત વર્ષે દુષ્કાળના કારણે ધરતીપુત્રોના નિષ્ફળ ગયેલા પાકોના વીમાની રકમ પણ તાત્કાલિક ચૂકવવા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવાયેલા આવેદનમાં માંગ કરાઈ છે. ભા.કિ.સં. દ્વારા આવેદનમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગ, બાજરી, ગુવાર, કપાસ, મગફળી, એરંડા જેવા પાકોનું વાવેતર કરાયું હતું, પરંતુ પાકની કાપણી સમયે જ વરસાદી પ્રકોપ આવતાં આ પાક નિષ્ફળ ગયો છે. જેમાં મોટાપાયે ખેડૂતોને નુકસાની થઈ છે. જેથી આ નુકસાનીનો ઝડપભેર સર્વે કરવા માંગ કરી છે. આ ઉપરાંત ભચાઉ-રાપર તાલુકામાં ખેડૂતોના પાક ધિરાણ સમયે પ્રધાનમંત્રી ફસલ વીમાની રકમ બેંક દ્વારા કાપી લેવામાં આવી છે. પરંતુ વીમા કંપની દ્વારા પોલિસી નંબર તથા તેની કોપી આપવામાં આવી નથી, જેથી ખેડૂતો પાક નુકસાનીની નોંધ વીમા કંપની પાસે કરાવી શકતા નથી. બીજીતરફ ગત વર્ષે ખરીફ સિઝનમાં આ વિસ્તારના ખેડૂતોએ એરંડા અને કપાસનો વીમો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત લીધો હતો, પરંતુ સમગ્ર વર્ષ દુષ્કાળ રહેતા મોટાભાગનો પાક નિષ્ફળ ગયો હતો. આ યોજનાની જોગવાઈ મુજબ મિડ સિઝન અંતર્ગત 25 ટકા પાક વીમાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવાઈ હતી. બાકીની રકમ આજ દિન સુધી ચૂકવાઈ નથી. જિલ્લા ખેતીવાડી વિભાગે ઉત્પાદનના આંકડા મોકલી દીધા હોવા છતાં વીમા કંપની દ્વારા આ બાબત સરકારમાં પેન્ડિંગ હોઈ મંજૂરી આવ્યે ચૂકવણી કરાશે તેવા જવાબો અપાય છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer