વાગડના રસ્તા સુધારવા માર્ગ અને મકાન વિભાગ નીરસ

ભુજ, તા. 8 : ચિત્રોડ-રાપર-ધોળાવીરા રસ્તાનું નવીનીકરણ કરવા રાજ્ય સરકાર દ્વારા એક વરસ પહેલાં એજન્સીને કામ આપી દેવામાં આવ્યું છે. છતાં આ કામ શરૂ કરવામાં આવ્યું નથી. છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તો એટલી હદે બિસમાર થઈ ગયો છે કે નાના વાહનો તો ઠીક પણ મોટા વાહનો પણ ચાલી શકતા નથી. તેવી ફરિયાદો વાગડ વિસ્તારના નાગરિકો અને પદાધિકારીઓ તરફથી અવારનવાર સંબંધિત રાજ્ય માર્ગ મકાન વિભાગના અધિકારી સમક્ષ કરવા છતાં રસ્તો સુધારવાની તસ્દી તંત્ર તરફથી ન લેવાતાં જિલ્લા પંચાયત પ્રમુખે નારાજગી વ્યક્ત કરી હતી. ગત સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવતાં તંત્ર યુદ્ધના ધોરણે પેચવર્ક કરવાનું જણાવ્યા છતાં તંત્રનું આળસ ઊડતું નથી તેની સામે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ આ બાબતની ગંભીર નોંધ લઈને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને અંગત રસ લેવા જણાવ્યું હતું. નંદાસર પાસે નર્મદા કેનાલ પર બ્રિજ તૂટી જતાં બાજુમાં બનાવેલો  સર્વિસ રોડ ઉપયોગમાં લેવાય છે પરંતુ ત્રણ કિ.મી. જેટલો ફેરો થાય છે. આવી જ રીતે રાપર-ફતેહગઢ રસ્તામાં બે કિમીનું કામ બાકી છોડી દેવામાં આવ્યું છે. એ 15 દિવસમાં વાગડના તમામ મોર્ગોનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો રાપર-ભચાઉના જિલ્લા પંચાયતના સદસ્યોનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા જશે અને આગામી જિલ્લા સંકલનની બેઠકમાં આ પ્રશ્નોને લઈને અધિકારીઓનું પુછાણું લેવાશે તેવી સ્પષ્ટ ચીમકી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer