અંજારમાં બાવળ કાપવાની ફરિયાદો ઓનલાઈન લેવાનું અચાનક બંધ

ગાંધીધામ, તા. 8 : અંજાર સુધરાઈમાં છેલ્લા કેટલાક દિવસોથી રહેણાક વિસ્તારમાં ઊગેલી ઝાડીઓ અને બાવળની ઝાડી કાપવાની ઓનલાઈન ફરિયાદ સ્વીકારવાનું બંધ કરી લેખિતમાં અરજી આપવાની શરૂ કરાયેલી નવી પ્રથા સામે નાગરિકોમાં નારાજગી પ્રસરી છે. અંજાર  પાલિકાની હદમાં  આવતાં જુદાં-જુદાં સ્થળોની  ઊભરાતી ગટરો, પાણી, બંધ દીવાબત્તી સહિતની સુવિધાની ફરિયાદ અર્થે પાલિકાતંત્રે ઓનલાઈન ફરિયાદ નોંધવાનો  આરંભ કર્યો છે. આ પ્રકારની તમામ  ફરિયાદો  ઓનલાઈન  નોંધાતી હોવાથી બાકી રહેલી  અરજીઓ તથા થયેલા કામની યાદી સ્પષ્ટપણે તરી આવતી હતી.  છેલ્લા ચાર દિવસથી  સુધરાઈએ રહેણાક વિસ્તારમાં થયેલી ઝાડીઓ અને બાવળ કપાવી સફાઈ કરવા અંગે લોકો  ફરિયાદ બારીએ પહોંચ્યા ત્યારે તેમને આ વિષયમાં લેખિતમાં રજૂઆત કરવા જણાવાયું હતું. જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, પાલિકામાં પ્રાથમિક સવલતોની ખામીઓ દૂર કરવા  માટે ફરિયાદો ઓનલાઈન નોંધવામાં આવે છે, પરંતુ   ઝાડીઓ અને બાવળની ઝાડીઓ  પાલિકા  સમસસર કાપતી  નથી. જેને કારણે ઓનલાઈન ડેટાબેઝમાં પડતર ફરિયાદોની યાદી લાંબી થાય છે.  નગરપાલિકાએ ફરિયાદોનો આંક  ઓછો બતાવવા માટે આ પ્રકારની નીતિ અપનાવી  હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer