`મને ટફ નેગોશીએટર કહેતા ટ્રમ્પ ખુદ સોદાબાજીમાં માહિર'' : મોદી

`મને ટફ નેગોશીએટર કહેતા ટ્રમ્પ ખુદ સોદાબાજીમાં માહિર'' : મોદી
હ્યુસ્ટન, તા. 22 : હાઉડી મોદી...હ્યૂસ્ટમાં એનઆરજી સ્ટેડિયમના મંચ પરથી આજે ભારત અને અમેરિકાના સંબંધોને નવી ઊંચાઇ મળી હતી અને સમગ્ર માહોલ મોદીમય બન્યો હતો. 50000થી વધુ ભારતીયોની ઉપસ્થિતિમાં અવર્ણનીય અને ઉત્સાહજનક માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિકાસગાથા આલેખી હતી અને દેશ નવા પડકારોને પાર પાડવા માટે સજ્જ હોવાની ગર્જના કરી હતી, તો સાથે આતંકવાદને પોષતા પાકિસ્તાન પર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે,ત્રાસવાદીઓ તેમજ તેને પ્રોત્સાહન આપનારાઓ સામે નિર્ણાયક લડાઇનો સમય આવી ગયો છે. આજે હ્યુસ્ટનમાં આ મંચ પરથી નવી હિસ્ટ્રી અને નવી કેમિસ્ટ્રી એટલે કે, નવો ઇતિહાસ અને નવો સંબંધ રચાયાં છે. મોદી એકલો કંઇ?જ નથી, 130 કરોડ કરોડ ભારતીયોના આદેશથી કામ કરનારો એક સાધારણ વ્યકિત છે, તેવું ભારતના વડાપ્રધાને કહ્યું હતું. `હાઉડી મોદી' પૂછો હવે તો હું એવો જવાબ આપીશ કે, ભારતમાં બધા જ મજામાં છે. ભારતની અલગ-અલગ ભાષાઓમાં મોદીએ `ભારતમાં બધું સારું છે' તેવું કહ્યું હતું. `િવવિધતામાં એકતા' એ જ ભારતની ધરોહર છે, વિશેષતા, શકિત, પ્રેરણા અને તંદુરસ્તી લોકતંત્રનો આધાર છે. વર્ષ 2019ની ચૂંટણીએ ભારતીય લોકતંત્રનો ઝંડો આખી દુનિયામાં ફરકાવ્યો. અમેરિકાની કુલ્લ વસતીના બે ગણા નાગરિકોએ મતદાન કર્યું. ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી વધુ મહિલાએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીએ 60 વર્ષ બાદ પૂર્ણ બહુમતથી બનેલી સરકાર અગાઉ કરતાં વધુ સંખ્યાબળ સાથે પાછી ચૂંટાઇ તે વિક્રમ સર્જ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની રાજનીતિમાં મોટું કદ ધરાવે છે, તેમના દરેક શબ્દને અબજો લોકો અનુસરે છે. ટ્રમ્પ કોઈ પરિચયના મોહતાજ નથી. તેમણે અમેરિકી અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે તેવું અમેરિકાના રાષ્ટ્રપતિની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું. અમેરિકામાં 2020માં યોજાનારી ચૂંટણી અગાઉ ભારતના વડાપ્રધાને `અબકી બાર ટ્રમ્પ સરકાર'નું સૂત્ર વિશાળ સંખ્યામાં ઊમટેલા ભારતીય પ્રવાસી સમુદાય સમક્ષ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં  ભારતના સાચા મિત્ર છે. હ્યુસ્ટનથી  હૈદરાબાદ... શિકાગોથી શિમલા, લોસ એંજેલસથી લુધિયાણા... ન્યૂ જર્સીથી ન્યૂ દિલ્હી સુધી ભારત અને અમેરિકા વચ્ચે  સંબંધોનો સેતુ મજબૂત છે તેવું મોદીએ કહ્યું હતું. આજે દુનિયાના સૌથી મોટાં બે લોકતંત્રની દોસ્તીનો દિવસ છે, તેવું તેમણે ઉમેર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. તેમણે ભારતને અમેરિકાનું મજબૂત અને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું હતું. પ્રવાસી ભારતીય સમુદાયના પરિશ્રમ અને અમેરિકાના વિકાસમાં પ્રદાન પર ગૌરવ હોવાનું કહેતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા સ્વપ્નો સાથે જુએ છે અને બન્ને દેશોનું ભવિષ્ય ઉજ્જવળ છે. આજે ભારત અને અમેરિકાના સંબંધો પહેલાં કરતાં વધુ મજબૂત બન્યા છે. મોદીના શાસનમાં દુનિયા એક મજબૂત ભારતને જોઈ રહી છે. મોદીરાજમાં 30 કરોડ લોકો ગરીબીરેખામાંથી બહાર આવ્યા છે તેવું તેમણે ઉમેર્યું હતું. અમેરિકા દરરોજ અર્થવ્યવસ્થામાં નવા વિક્રમ સર્જી રહ્યું છે. અમેરિકાને અગાઉ કદી નહોતું તેટલું સમૃદ્ધ બનાવવા માટે મોદી સાથે કામ કરવા ઉત્સુક હોવાનું ટ્રમ્પે કહ્યંy હતું.બન્ને દેશની સુરક્ષા માટે અને સુરક્ષાના ક્ષેત્રમાં મજબૂત સહભાગિતા કરી છે. અવકાશ ક્ષેત્રે સરકાર માટે ભારત સાથે નીકટતાથી કામ કરી રહ્યા છીએ તેવું અમેરિકી પ્રમુખે કહ્યું હતું. મુંબઈમાં એનબીએ બાસ્કેટ બોલની ટૂર્નામેન્ટ યોજાવાની છે, તેમાં મને આમંત્રણ આપો મોદીજી, તેવું ટ્રમ્પે ઉમેર્યું હતું. સુરક્ષા ક્ષેત્રે સરકાર માટે ભારત સાથે નવી સહભાગિતા કરીને અમેરિકા ઈસ્લામી આતંકવાદ સામે લડવા તત્પર છે. અવકાશ તેમજ સીમા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભારત સાથે સહકાર વધારીને સંબંધ વધુ મજબૂત બનાવવાની તૈયારી અમેરિકી પ્રમુખે બતાવી હતી.`ન્યૂ ઈન્ડિયા' એટલે `નૂતન ભારત' એ ભારતીયોનો સૌથી મોટો સંકલ્પ છે, તો `સંકલ્પથી સિદ્ધિ' ભારતીયોનો નારો છે. ગ્રામીણ સ્વચ્છતામાં 99 ટકા સફળતા સાથે રાંધણ ગેસ જોડાણો પ5 ટકામાંથી માત્ર પાંચ વર્ષમાં 95 ટકા સુધી પહોંચાડી દીધાં. દેશમાં 11 કરોડથી વધુ શૌચાલય બનાવ્યાં. આખી દુનિયામાં સૌથી ઓછી કિંમતમાં ક્યાંય ડેટા ઉપલબ્ધ હોય તો તે ભારત છે. આજે ભારતમાં દોઢ જીબી ડેટાની કિંમત એક ડોલરના ચોથા ભાગ જેટલી છે. સસ્તા ડેટાએ ભારતમાં સુશાસનની નવી વ્યાખ્યા બનાવી છે. સરકારની 10 હજાર સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. અમારી સરકારે દોઢ લાખ કરોડ રૂપિયા ખોટા લોકોના હાથોમાં જતા બચાવ્યા છે, તો 3.5 લાખ બોગસ કંપનીઓને તાળાં માર્યાં છે.  કાશ્મીરના લોકોને વિકાસથી વંચિત રાખનારી કલમ 370 હટાવવાનું ઐતિહાસિક પગલું લેતાં બાકીના ભારતીયો જેટલા જ અધિકારો અમે આપ્યા છે અને 70 વર્ષમાં સૌથી મોટા પડકાર સામે લડી બતાવ્યું, તેવું કહેતાં મોદીએ ભારત દેશના તમામ સાંસદોનું ઊભા થઈને અભિવાદન કરવા પ્રવાસી સમુદાયને અપીલ કરી હતી. પાકિસ્તાન પર સ્પષ્ટ નામ લીધા વિના આકરા પ્રહાર કરતાં ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકવાદને પોષનારાને હવે આખી દુનિયા ઓળખી ગઈ છે.  હવે આતંકવાદને પોષનારાઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવાનો સમય પાકી ગયો છે. હું ભારપૂર્વક કહેવા માગીશ કે, આ લડાઈમાં ટ્રમ્પ પણ મજબૂત રીતે સાથે ઊભા છે. પોતાનો દેશ સંભાળી નથી શકતા, તેમને 370 હટાવવા સામે વાંધો છે, તેવા પ્રહાર મોદીએ કર્યા હતા.કોર્પેરેટ વેરામાં સુધારાથી સમગ્ર દુનિયામાં સારો સંદેશ ગયો છે. આવનારા બે-ત્રણ દિવસમાં ટ્રમ્પ સાથે ચર્ચા બાદ બન્ને દેશના હિતમાં સારા પરિણામનો આશાવાદ મોદીએ વ્યક્ત કર્યો હતો.રાષ્ટ્રપતિ ટ્રમ્પ મને `ટફ નિગોશિયેટર' કહે છે, પરંતુ તેઓ પોતે પણ `આર્ટ ઓફ ડીલ'માં માહેર છે. હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું તેવું કહેતાં મોદીએ અમેરિકી પ્રમુખ પર વ્યંગ પણ કર્યો હતો. ભારતના વડાપ્રધાને ડોનાલ્ડ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ આપતાં તેમનું સ્વાગત કરવાની તક આપવા અનુરોધ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer