ભુજ-મુંદરામાં બોગસ પીયુસી સેન્ટરનો પર્દાફાશ

ભુજ-મુંદરામાં બોગસ પીયુસી સેન્ટરનો પર્દાફાશ
ભુજ, તા. 22 : ટ્રાફિકના નવા નિયામમાં આકરા દંડથી બચવા પી.યુ.સી. કઢાવવા માટે વિવિધ સેન્ટરોમાં કતારો લાગી રહી છે ત્યારે આ તકનો લાભ લઇ કમાવા અર્થે તકવાદી પરવાના વિનાના ખોટા પી.યુ.સી. સેન્ટર ખોલી રોકડી કરી રહ્યાની બાતમીના પગલે ભુજ અને મુંદરામાં બે પી.યુ.સી. સેન્ટર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં ભુજમાં બે ઇસમો કુલ્લ રૂા. 1.20 લાખના મુદ્દામાલ સાથે પકડાયા છે. ભુજમાં આર.ટી.ઓ. સર્કલ મધ્યેના કતિરા કોમ્પ્લેક્સમાં શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં સરકારે પી.યુ.સી. સેન્ટરની માન્યતા ન આપી હોવા છતાં અમદાવાદથી પી.યુ.સી. નામનું સોફટવેર તૈયાર કરાવી મહાશક્તિ એન્ટરપ્રાઇઝ-મુંદરાના નામનો ખોટો રબ્બર સ્ટેમ્પ (સિક્કો) તથા ખોટાં ફોર્મ છપાવી વાહનચાલકો તેમજ એજન્ટોને બનાવટી પી.યુ.સી. સર્ટિફિકેટ?અપાતા હોવાનો પર્દાફાશ બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપીને પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ કર્યો છે. આ પી.યુ.સી. કૌભાંડ સંદર્ભે એલ.સી.બી.એ બોલાવેલી પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપતાં ડીવાય.એસ.પી. બી. એમ. દેસાઇ અને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. શ્રી ઔસુરાએ જણાવ્યું હતું કે, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ડી. બી. વાઘેલા તથા પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલ નવા ટ્રાફિક નિયામના પગલે ખોટા દસ્તાવેજો બાબતે ક્યાંય ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલતી નથી ને, તે જોવા સૂચના મળી હતી. આમ પોલીસને મળેલી બાતમીના આધારે ભુજમાં ચાલતું પી.યુ.સી. કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં જિજ્ઞેશ કનુભાઇ વ્યાસ પોતાના કબ્જાની શ્રીજી ઓટો એડવાઇઝર નામની ઓફિસમાં ગેરકાયદે પી.યુ.સી. સેન્ટર ચલાવતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે તથા જિજ્ઞેશ અને તેની પાસે કામ કરતા શાહનવાઝ મહમદ સુમરાનેય પોલીસે કુલ્લ રૂા. 1,20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે. આ ડુપ્લિકેટ પી.યુ.સી. સેન્ટરમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનાં સાધનો કિંમત રૂા. 55,000, મોબાઇલ ફોન બે કિંમત રૂા. 10,000, રોકડ રૂા. 55,000 તેમજ કોરાં ફોર્મ અને ખોટાં બનાવેલાં ફોર્મ નંગ 102નો મુદ્દામાલ ઝડપાયો છે. ડીવાય.એસ.પી. શ્રી દેસાઇએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમ્યાન મુંદરાની મહાશક્તિ એન્ટરપ્રાઇઝ આ બાબતે અજાણ હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત આ કૌભાંડમાં આગામી તપાસમાં મદદગારો તેમજ કેટલા ખોટા સર્ટિ. ઇસ્યૂ કર્યા છે તેની વિગતો ખૂલશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડમાં ઝડપાયેલા જિજ્ઞેશ વ્યાસ અને શાહનવાઝ સુમરા ભુજની આરટીઓ કચેરીમાં એજન્ટની ભૂમિકા તરીકેની આવનજાવન હતી અને આરટીઓ કચેરી સંબંધિત કામગીરી કરતા હતા. દરમ્યાન મુંદરામાંથી ઝડપાયેલા ગેરકાયદે પીયુસી સેન્ટરની વિગતો મેળવવા રાત્રે મુંદરા પોલીસ મથકનો સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, આ અંગેની છાનબીન હજુ ચાલી રહી હોવાથી વિગતે ગુનો દાખલ થયો નથી. દરમ્યાન મુંદરાના પીયુસીકાંડનો રેલો ભુજપુર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer