જખૌ મત્સ્ય બંદર પર માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ શરૂ

જખૌ મત્સ્ય બંદર પર માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ શરૂ
સતીશ ઠક્કર દ્વારા-
નલિયા, તા. 22 : છેલ્લા દોઢ બે દાયકાથી પૂર્ણ મત્સ્ય બંદર તરીકે ઊભરી આવેલા પશ્ચિમી છેવાડાના મત્સ્ય બંદર જખૌ ખાતે માછીમારી પ્રવૃત્તિનો ધમધમાટ શરૂ થયો છે. સિઝન સારી જવાની આશાએ સાગરખેડુઓ પોતાની બોટ સાથે સમુદ્ર સફર, દરિયો ખુંદી રહ્યા છે. પ્રારંભિક તબક્કે માલ (માછલીનો જથ્થો) ઓછો મળે છે. દેશના વિવિધ ભાગો વલસાડ, જામનગર, સલાયા, કોટડા, કોડીનાર, સુત્રાપાડા, દીવ, પોરબંદર, વેરાવળ, માંગરોળ, બીલીમોરા, નવસારી, ઉપરાંત સ્થાનિક કંડલા, લાયજા, માંડવીની બોટો થઇ એકંદર 750 બોટો માછીમારી પ્રવૃત્તિમાં સક્રિય છે, તો માછલીનો જથ્થો ખરીદવા ધંગા કાર્યરત થયા છે. કેસ્ટરલોક, તેજફિશ, મોલા મદદ ફૈઝાન, હમાદ વગેરે એકાદ ડઝનથી વધુ ધંગાઓ માછલીનો જથ્થો ખરીદવા કાર્યરત છે. જખૌના દરિયામાં સૂર્યના કિરણો 200 મી ઊંડે જતાં ખંડીય છાજલીવાળા પ્રદેશ તરીકે જાણીતા એવા આ દરિયામાં માછલીને જરૂરી વનસ્પતી અને ખાદ્ય પદાર્થ તળિયામાં મળી રહેતાં વિપુલ પ્રમાણમાં માછલીનો જથ્થો મળતાં દેશના વિવિધ ભાગોના માછીમારોની મીટ જખૌના દરિયા તરફ હોય છે. લોબસ્ટર અને ઝીંગા માછલીની જાત માટે જાણીતા એવા આ દરિયામાં પ્રારંભિક તબક્કે જ આ બે જાતોનો જથ્થો 80 ટકા જેટલો, અન્ય માછલીની જાતનો જથ્થો 20 ટકા જેટલો મળે છે. ઝીંગા અને લોબસ્ટર માછલીની વિદેશમાં નિકાસ થાય છે પણ પ્રારંભિક તબક્કે સિઝન હજી જામી નથી એકંદર ઓછા પ્રમાણમાં સામુદ્રી ફાલ મળે છે. માછીમારો માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમની પ્રાથમિક સુવિધા માટે કરોડોનો ખર્ચ કરેલ હોવા છતાં અનેક અવરોધો વચ્ચે હજારો માછીમારો પોતાની આજીવિકા રળે છે. હાલે 12થી 13 હજારની માનવ વસ્તી બંદર પર છે. જે વધીને ઓકટોબર, નવેમ્બર મહિનામાં 18થી 20 હજાર થશે. સરકારી રાહે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. 200 લિટર બેરલના રૂા. 50ના ભાવથી માછીમારોને પાણી વેચાતું લેવું પડે છે. આ અંગે જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિયેશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાના જણાવ્યાનુસાર વર્ષ 2015 દરમ્યાન મીઠી ડેમનું પાણી પાઇપ લાઇન દ્વારા જખૌ બંદરે પહોંચાડવાની રૂા. 12 કરોડથી વધુ ખર્ચવાળી યોજના ફિશરીઝ વિભાગની ગ્રાન્ટમાંથી પૂર્ણ તો થઇ, પા.પુ. બોર્ડે ટેસ્ટિંગ પણ કરી આપ્યું પણ તેનો લાભ હજી સુધી માછીમારોને મળતો થયો નથી. યોજનાનું સંચાલન કરવા પા.પુ. બોર્ડ અને ફિશરીઝ?વિભાગે હાથ ઊંચા કરી દેતાં પાણી પુરવઠાની લાઇન હવે કટાઇ રહી છે. યોજનાનું સંચાલન જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિયેશનને જ્યાં સુધી કોઇ આગળ ન આવે ત્યાં સુધી આ સંગઠનને સોંપાય તો તે ચલાવવા તૈયારી બતાવી છે. જખૌ બંદરે દૂર સંદેશા વ્યવહારની પણ પૂરતી સગવડ નથી. ખાનગી કંપની અથવા બી.એસ.એન.એલ. દ્વારા ટાવર બેસાડવામાં ન આવતાં દૂર સંદેશા વ્યવહાર સેવા કાયમ નેટવર્કના અભાવે લંગડાતી ચાલે છે. બી.એસ.એન.એલ. સંચાલિત લેન્ડ લાઇન ટેલિફોન સેવા કાર્યરત તો છે પણ અવાર નવાર ઠપ થઇ જતાં પશ્ચિમી છેવાડાનું મત્સ્ય બંદર દૂરસંદેશા વ્યવહારથી વિખૂટું પડી જાય છે. જખૌ બંદરે છે કરતાં નથીની યાદી લાંબી છે. અહીં માછલીનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાથી આઠ-દસ મહિના આ વ્યવસાય ચાલુ હોય છે પણ બેંકિંગની સગવડ નથી. આ માટે માછીમારોને અહીંથી 29 કિ.મી. દૂર નલિયા જવું પડે છે. કોઈ બેંક અહીં શાખા શરૂ કરે તો બેંકને ફાયદો થવાની સાથે માછીમારોની સગવડ પણ સચવાય. અહીં સરકારી રાહે કોઈ આરોગ્ય સુવિધા નથી. જખૌ ગામે બંદરથી 13 કિ.મી.ના અંતરે  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે જેથી કોઈ ઓચિંતું બીમાર પડે તો દોડાદોડી કરવી પડે છે. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા અણઘડ અને ભૂતિયા તબીબો (મુન્નાભાઈ) માછીમારોના ખિસ્સા ખંખેરી રહ્યા છે. તો જાહેર શૌચાલય જેવી સુવિધા ન હોતાં ગમે ત્યાં મળ ત્યાગ કરવાની લોકોની આદતના કારણે ગંદકીએ વર્ચસ્વ જમાવ્યું છે. જાહેર શૌચાલય બાંધવાની વખતોવખત જાહેરાતો તો થાય પણ વાસ્તવિક અમલ ન થતાં માછીમારોની સમસ્યા યથાવત રહી છે. જખૌ બંદરે રાજ્યમાં ક્યાંય ન હોય તેવું 1 કિ.મી.થી વધુ લંબાઈવાળું લિલામઘર છે. જેનું ભાડું વધુ હોતાં કોઈ જથ્થાબંધ વેપારી ભાડે લેવા આગળ ન આવતાં આ સગવડ હવે દિન પ્રતિદિન નકામી બની રહી છે. માછીમારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એવા તા.પં.ના વિપક્ષી નેતા અબ્દુલભાઈ ગજણે પીવાના પાણીની સમસ્યાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખાનગી સપ્લાયર્સ દ્વારા અપાતા પાણીની ગુણવત્તા સારી નથી હોતી. મોંઘા ભાવે મળતું પાણી પીવાથી બીમારીનું પ્રમાણ બંદર પર વધ્યું છે. વરસાદી પાણીનો પૂરતો નિકાલ ન થતાં માખી-મચ્છરનો ઉપદ્રવ વધતાં પણ બીમારીનું પ્રમાણ વધ્યું છે. પીવાના પાણીની કાયમી સુવિધા માટે પોતે ઠેઠ ગાંધીનગર સુધી પત્રવ્યવહાર કર્યો છે. સર્વોદય માછીમારી મંડળીના મંત્રી એવા શ્રી ગજણે તાત્કાલિક પાણીની લાઈન કાર્યરત નહીં કરાય તો સત્યાગ્રહની ચીમકી આપી હતી. જખૌ બંદરે સફાઈની કોઈ વ્યવસ્થા નથી. પરિણામે ગંદકીએ વર્ચસ્વ જમાવ્યું છે. તો બંદરીય પરિસરમાં પાકા રસ્તા નથી. છેલ્લા દોઢ-બે દાયકાથી રાજ્ય અને કેન્દ્ર સરકારે બંદરીય વિકાસ પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે તેમ છતાં મૂળભૂત સમસ્યાઓ જ્યાંની ત્યાં જ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer