મીંયડા વઠા ભલા, ધરતી કેં શણગાર... મલ્યો પાવરપટ્ટી કે વરસાદ...

મીંયડા વઠા ભલા, ધરતી કેં શણગાર... મલ્યો પાવરપટ્ટી કે વરસાદ...
બાબુ માતંગ દ્વારા-
નિરોણા (પાવરપટ્ટી), તા. 20 : છેલ્લા ત્રણેક વર્ષોથી કચ્છમાં અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા પછી કચ્છના મોટા રણના કાંઠાળ વિસ્તારમાં પથરાયેલો પાવરપટ્ટી પંથક ભારે પાયમાલ બન્યો હતો. પીવાનું પાણી, ધંધા-રોજગાર, ઘાસચારો તેમજ ખેતીના અભાવે ગામડાંઓ ભાંગતાં લોકોએ ભારે ચિંતિત બની છેલ્લી આશ સાથે ચાલુ વર્ષે  આકાશભણી મીટ માંડી હતી. એવા જ ટાંકણે પંથકમાં મેઘરાજા ભારે મહેરબાન થતાં વિસ્તારની સિકલ જ નહીં લોકોના ચહેરા ઉપરની ચમક પણ બદલાઈ ગઈ છે. પૂર્વે રુદ્રમાતા જાગીર, પશ્ચિમે ધીણોધરની થાન જાગીર, ઉત્તરે અફાટ કચ્છનો રણપ્રદેશ અને દક્ષિણે ડુંગરોની લાંબી-લાંબી કોતરો વચ્ચે પથરાયેલો પાવરપટ્ટી વિસ્તાર રાજાશાહી વખતથી ભારે જાણીતો છે. માત્ર ને માત્ર વરસાદ ઉપર આધારિત આ વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે. છેલ્લા ત્રણ-ત્રણ વર્ષ વરસાદ વિહોણા પસાર થયા પછી ચાલુ સાલે વખતસર વરસાદને લઈ વિસ્તારનો નજારો કંઈક ઓર જ જોવા મળે છે. ઉત્તરે રણપંથકમાં મૃગજળ વચ્ચે વેગીલા વંટોળિયા સાથે વેરાન ભાસતી મરુભૂમિ હાલ લીલી ચાદરમાં લપેટાયેલી નજરે ચડે છે. દૂર દૂર સુધી પૃથ્વી પર પથરાયેલી હરિયાળીને લઈ ધરતીને પણ જાણે વાચા આવી લલકારી રહી છે - મેઘ વસણ આયા, ધરતી કેં શણગાર, ધરતી ચેં આઉં સભાગણી મુંજો મેઘ જેડો ભરથાર. પંથકની દક્ષિણે પથરાયેલા ડુંગરો પણ જાણે ચર્યા (ગાંડા) બન્યા છે. ધોરો, ઝુરો, મુનરો, લાખાડી, કિસ્તી, કતાર, ગંઢી, નપાપ, આગેરા, સઘપાસાડો, કંગણીજર, સોનવો, ચોર છપરો, ચિતરાભર, પાડાણ જેવા અનેક ડુંગરો મહામેઘ બાદ દૂરથી રળિયામણા તો નજીકથી ભારે સોહામણા બની શોભી રહ્યા છે. ઘાસના ઘર ગણાતા આ ડુંગરોમાં હાલ દેશી ઘાસ - લંભ, ડનઈ, ધ્રામણ, ફૂલરો, સચ્ચીલંભ જેવું પૌષ્ટિક ઘાસ લીલુંછમ લહેરાઈ રહ્યું છે. તો વળી લિયાર, બેર, ગાંગણી, લુંઆ, કુંધેર જેવી વનસ્પતિમાં પણ ભારે ફૂટ આવતાં લીલોતરીની મહેક વચ્ચે આખો વિસ્તાર કાશ્મીરના ખીણપ્રદેશ જેવો ભાસી રહ્યો છે. આ બધાની વચ્ચે તળાવ-તળાવડી ઉપરાંત નાના ચેકડેમોમાં પાલર પાણી હિલોળે ચડયા પછી મોકો મળ્યો છે, એકાદ લટાર મારવા જેવી છે. સીમાડામાં લગાતાર ત્રણ વર્ષ ખેતરો સૂમસામ બન્યા પછી પંથકમાં શ્રાવણ-ભાદરવામાં મોંમાગ્યા મેહને કારણે રામમોલ ભારે રોનક સાથે વૃદ્ધિ પામી રહ્યો છે. સુમરાસર (શેખ)થી માંડી પશ્ચિમે દેવીસર સુધીના ખેડવાણ વિસ્તારના ઠામો મગ, કપાસ, બાજરી, તલ, એરંડા, ગુવાર જેવા પાકથી હર્યાભર્યા બન્યા છે. પંથકમાં ખાસ કરીને ઉતાવળિયા મગનું વાવેતર વિક્રમરૂપ હોઈ લોકોએ પણ ભારે ઉતાવળિયા બની મગનો પાક વીણવાની તૈયારી આદરી છે. આ પંથકની જીવાદોરી સમાન કાયલા, નિરોણા અને ભૂખી સિંચાઈ યોજનાના તળિયાઝાટક બનેલા આડબંધમાં ચાલુ ચોમાસા દરમ્યાન 75થી 80 ટકા જળરાશિ જમા થઈ છે. વિસ્તારના 15 ગામોના 2500 જેટલા ખેડૂત ખાતેદારોની લગભગ 8000 એકર જમીનને ચાલુ સાલે આ જળરાશિનો ઉપયોગ થઈ શકે છે. વળી ચાલુ ચોમાસામાં એરંડાના પાક પણ રવિ મોસમમાં યુવાવસ્થામાં પહોંચતાં પંથકમાં સિંચાઈ વ્યવસ્થાની શક્યતાને લઈ એરંડાના પાકને પણ એકાદ-બે પાણીની પિયત મળી શકે છે. હાલ આ વિસ્તારમાં સારા વરસાદના પગલે ભૂતળ સપાટી ઊંચે ચઢતાં પેયજળની સમસ્યા હલ થઈ શકે છે. બીજી બાજુ પંથકના સીમાડામાં વિપુલ માત્રામાં ઊગેલા ઘાસચારાના પગલે દૂધ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થતાં ખાસ કરી માલધારી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer