દાદરથી માતાના મઢ જવા માટે 101 સાઈકલયાત્રીઓનું પ્રસ્થાન

દાદરથી માતાના મઢ જવા માટે 101 સાઈકલયાત્રીઓનું પ્રસ્થાન
મુંબઈ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) :આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાંજે દાદરથી મહેમાનોની હાજરીમાં 101 સાઈકલયાત્રીઓએ માતાના મઢ જવા માટે પ્રસ્થાન કર્યું હતું. દાદર (ઈસ્ટ)માં હાલારી વીસા ઓસવાળવાડીમાં આ માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. જેમાં સાઈકલયાત્રીઓને વિદાયના સમારોહમાં કચ્છના વિધાનસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કિટની ભેટ અપાઈ હતી. આ પ્રસંગે સાંસદ મનોજ કોટક, શાંતિભાઈ નાગડા, સંત સુવર્ણબાબા (પવઈ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા), કુલદીપસિંહ જાડેજા (ભચાઉ), મેહુલસિંહ પરમાર, વસંતભાઈ ભદ્રા, ધર્મેન્દ્રભાઈ ગોસર, ભૂપેન્દ્રભાઈ મહેતા, ચંપકભાઈ વલ્લભજી છેડા, હઠીસિંહ પી. જાડેજા, સુરેશભાઈ ઠક્કર, લક્ષ્મણભાઈ ગઢવી, ધરમશીભાઈ વાવિયા, ભચુભાઈ આરેઠિયા, ચૂનીલાલ દેઢિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદના દાતાનો લાભ પુખતસિંહ ચૌહાણ અને જબ્બરસિંહ ચૌહાણે લીધો હતો. કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા `એકલવીર'એ કર્યું હતું. સવારના માતાજીનું સ્થાપન કરાયું હતું. રાસ-ગરબાની રમઝટ જામી હતી. બપોરે દીપ પ્રાગટય બાદ સંત આશિષ, સ્વાગત અને છેલ્લે મહાઆરતી થઈ હતી. બહોળી સંખ્યામાં ભાવિક ભાઈ-બહેનો ઉમટયા હતા. વિશાલ ગઢવીની પાર્ટીએ ગરબા-છંદની રમઝટ જમાવી હતી. લોકગાયક તારાબા વાઘાએ સૂરીલા કંઠે માતાજીના છંદ-ગરબા રજૂ કર્યા હતા. આ માહિતી આપતાં પ્રવીણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, 101 સાઈકલયાત્રીને ટી-શર્ટ, યુનિફોર્મ, બૂટ, મોજા સહિત 20 આઈટમની કિટ અપાઈ હતી. એ સાથે દરેકનો એક લાખ રૂપિયાનો વીમો કઢાયો હતો. સાંજે સાત વાગ્યે ઢોલ-નગારા, શરણાઈના નાદ સાથે મહેમાનોના હસ્તે ઝંડી દેખાડીને વિદાય અપાઈ હતી. આવતા વર્ષના આયોજન માટે દાતાઓ તરફથી વચનો મળ્યાં હતાં.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer