ભુજના પ્રમુખ સ્વામીનગરને મળ્યું નવું નજરાણું

ભુજના પ્રમુખ સ્વામીનગરને મળ્યું નવું નજરાણું
ભુજ, તા. 22 : અહીંના વોર્ડ નં. 11માં પ્રમુખસ્વામી નગર, શેરી નં. પાંચ પાસે જિલ્લા પંચાયતના માધ્યમથી `શાંતિ સુંદરવન'નું નિર્માણ કરાયું છે. જેમાં વોકિંગ ટ્રેક, બેસવાના બાંકડા ઉપરાંત 511 જેટલા તળપદા વૃક્ષોનું પણ વાવેતર કરી તેના ઉછેર માટે આધુનિક ડ્રીપ લાઈન પણ વસાવાઈ છે. આ સ્થળ ત્રણ વર્ષ અગાઉ ખાડા-ટેકરા, ગાંડા બાવળ, ગંદકી અને અનધિકૃત દબાણોથી ગ્રસ્ત હતો. જેથી આ સ્થળ લોકોપયોગી બને તે માટે નગરસેવક અશોક પટેલે પ્રયાસો આદર્યા અને સુંદરવનનું નિર્માણ થયું. હજુ પણ સુંદર વનમાં બાળકોને રમગમતના સાધનો તથા રહેવાસીઓની સુવિધા માટેના અન્ય આકર્ષણો ક્રમશ: ઉમેરાશે તેવું શ્રી પટેલે જણાવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ અવસરે ઉજવાઈ રહેલા `સેવા સપ્તાહ' અંતર્ગત શાંતિ સુંદર વનના લોકાર્પણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિ.પં.ના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, જિ.પં. પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ડી.ડી.ઓ. પ્રભવ જોશી, સુધરાઈ પ્રમુખ લતાબેન સોલંકી, કા.ચે. ભરતભાઈ રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાત, બળવંતસિંહ વાઘેલા, માવજીભાઈ ગુંસાઈ, અલ્પેશ પટેલ, સહદેવસિંહ જાડેજા, બિંદિયાબેન ઠક્કર, હિતેશ ગોસ્વામી, ઘનશ્યામભાઈ ગઢવી, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતે અશોકભાઈએ સૌને આવકાર્યા હતા. વિનોદભાઈએ વનની યોજનામાં ભૂમિકા ભજવનાર મહેશ ભાનુશાલી, વી.કે. પટેલના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ વનમાં સાર્વજનિક સુખાકારીના કાર્યો વિકસાવવા માટે સાંસદની ગ્રાન્ટમાંથી માતબર રકમની ફાળવણી કરાશે તેવી જાહેરાત કરી હતી. શ્રી સોઢા, કૌશલ્યાબેન, શ્રી જોશીએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ જોશીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખસ્વામી નગર તથા સિદ્ધિવિનાયક નગરના રહેવાસીઓએ જહેમત ઉઠાવી હતી. મહિલા મંડળના બહેનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. આભારવિધિ જયેશ સોલંકીએ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer