તળાવની પાળને નુકસાન મોટું જોખમ સર્જશે

તળાવની પાળને નુકસાન મોટું જોખમ સર્જશે
ભુજ, તા. 22 : શહેરના ઐતિહાસિક દેશલસર તળાવ પ્રત્યે સંબંધિત વહીવટી તંત્રની ઘોર બેદરકારી તો સમગ્ર નગરજનોમાં જાણીતી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક લોકો દ્વારા આયોજનબદ્ધ રીતે અને મિલીભગતથી ક્યાંક તળાવની પાળને નબળી કરાઇ રહી છે. તો ક્યાંક તળાવના ઓગનને અવરોધ કરાય છે. દેશલસર અસ્તિત્વ બચાવ આંદોલન સમિતિના મહમદ લાખાના જણાવ્યા અનુસાર તળાવની પાળને ચાંદ ચોક વિસ્તારમાં આવેલા ભાગે જમીન સમથળ કરાય છે. પરિણામે પાળ નબળી પડવા સાથે અંદાજે બેથી ત્રણ હજાર લોકો પર જોખમ સર્જાય તેમ છે. આ ઉપરાંત આ પાળ ઉપર ભૂતકાળમાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા લોકો માટે 6થી 7 લાખ રૂપિયાના ખર્ચે બોરવેલ અને કૂવો બનાવીને પીવાનું પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો એ કૂવો પણ દબાણકર્તાઓ પોતાના કબ્જે કરી લેવાની પેરવી કરતા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. પાંજરાપોળ તળાવ પાસે બાપા દયાળુનગરમાં કે જ્યાં તળાવનું ઓગન આવેલું છે તેના ઉપર પ્લોટ બનાવીને વેચવાની પેરવી કરાઇ રહી હોવાનું જણાવ્યું હતું. આ વિસ્તારમાં જો ઓગન ઉપર પ્લોટિંગ કરવામાં આવે તો ભવિષ્યમાં જ્યારે તળાવ ઓવરફલો થાય ત્યારે એ વિસ્તારમાં રહેતા અંદાજિત 300થી 400 શ્રમિક પરિવાર માટે જીવ જોખમમાં મુકાશે. આ બંને બાબતોમાં જમીન દબાણ કરવાની લાલચ વિનાશ નોતરે તેવી ભીતિ શ્રી લાખાએ વ્યક્ત કરી જરૂર પડયે આ બાબતે અદાલતનાં દ્વાર ખટખટાવાશે તથા લોકો અને સ્વૈચ્છિક સંગઠન સંસ્થાઓને સાથે રાખી આંદોલન કરાશે. આ અંગે ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer