માધાપરના મેગા કેમ્પમાં 1200 દર્દીઓ ઊમટયા

માધાપર, તા. 22 : કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માધાપર લોહાણા સમાજના સંયુક્ત સહયોગથી માધાપરના પ્રા. આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં 1209 વિવિધ રોગોના દર્દીઓને મફત નિદાન સારવાર અને દવાઓ તથા ચશ્માં આપવામાં આવ્યા હતા. જૈનાચાર્ય ગુણોદયસાગરસૂરિજીના 88મા જન્મોત્સવ વર્ષ નિમિત્તે આયોજિત શિબરનું દીપ પ્રાગટય કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, આજીવન ટ્રસ્ટી શશિકાન્તભાઈ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી નટવરલાલ રાયકુંડલ, દિલીપભાઈ ભીંડે, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઈ ચૂનીલાલ, લોહાણા મહાજન પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, શિબિરના દાતા કુસુમબેન છેડા, સેજલ છેડા, ફાલ્ગુની ગોગરી અને કુ. ધ્રુવિત છેડા તથા મુંબઈથી આવેલા ડોક્ટરો અને આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગોધરાની ગ્રામવિકાસ સમિતિ દ્વારા દર વર્ષે મફત આરોગ્ય શિબિરો યોજીને ગરીબ દર્દીઓને નિષ્ણાત ડોક્ટરોની જે સેવા પૂરી પડાય છે તેની સરાહના કરી સ્થાનિકની સામાજિક સંસ્થાઓના તેમને મળેલા સહયોગને બિરદાવી સરકારની આરોગ્ય સેવાની યોજનાઓને આવી સંસ્થાઓ પૂરક બને છે તે ભાવના વિકસાવવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય નીમાબેને માધાપર લોહાણા સમાજની વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી આવા પુણ્યકાર્યમાં સમાજે જે સાથ-સહકાર આપ્યો છે તેને બિરદાવ્યો હતો. માધાપર લોહાણા સમાજના પદાધિકારીઓ અને કાર્યકરોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મહેમાનો, દાતાઓ અને મુંબઈથી આવતા ડોક્ટરો તથા પી.એચ.સી.ના સ્થાનિક ડોક્ટરો અને મદદરૂપ બનતા સ્ટાફના સૌ સભ્યોનું અભિવાદન કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના મુખ્ય સંયોજક અરવિંદભાઈ જોષીની સેવાઓને બિરદાવી છેલ્લા 21 વર્ષથી તેઓ સરાહનીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તે બદલ માધાપરના શશિકાન્તભાઈએ તેમનું અભિવાદન કરી તેમને સન્માન્યા હતા. મુંબઈથી દાતાઓ અશ્વિનભાઈ ચંદન, ચંદ્રકાંત મોતા, દીપકભાઈ હરિયા, ધીરેનભાઈ ગાલા વગેરેનું અભિવાદન કરાયું હતું. ડોક્ટર વિશન નાગડા, ડો. દામોદર નંદા, ડો. ચિન્મય શુક્લા, ડો. રૂપેશ ગોર, ડો. સાગર એન. ઠક્કર, ડો. ચાર્મી તન્ના, ડો. વિધિ શુક્લા, ડો. સાગર નાથાણી, સ્થાનિક ડોક્ટરો કે.એસ. સીજુ તથા તેમના સહયોગી ડોક્ટરો અને સ્ટાફએ શિબિર દરમ્યાન આંખના 360, દાંતના 50, જનરલ 313, હાડકાંના 283, ત્રીરોગના 151, દમ અસ્થમાના 52 મળી શિબિર દરમ્યાન 1209 દર્દીઓને સારવાર અને દવાનું વિતરણ કરાયું હતું. મુંબઈથી આવેલા કાર્યકરો, વી.આર.ટી.આઈ.ના કાર્યકરો વિગેરેનો સહયોગ સાંપડયો હતો. કાર્યકરો કિશોર કારિયા, કિશોર ચંદારાણા, ઘનશ્યામ ઠક્કર, રોહિત ઠક્કર, રાજેશ આથા, ધીરજભાઈ ઠક્કર, મહિલા મંડળના લીનાબેન ઠક્કર વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.