રોટરી વોલસિટી ક્લબ દ્વારા બે કોલેજોની વિદ્યાર્થિનીઓની થેલેસેમિયા તપાસ કરાઈ

રોટરી વોલસિટી ક્લબ દ્વારા બે કોલેજોની વિદ્યાર્થિનીઓની થેલેસેમિયા તપાસ કરાઈ
ભુજ, તા. 22 : કચ્છને થેલેસેમિયામુક્ત બનાવવાના નિર્ધાર સાથે કાર્યરત વોલસિટી ક્લબે પાયાથી જ આ રોગને નાબૂદ કરવા લગ્ન પહલાં જ પરીક્ષણને વધારે મહત્ત્વ આપવાની ખેવના સાથે કચ્છની સમગ્ર કોલેજોમાં વક્તવ્ય, સ્લાઈડ મારફતે નિદર્શન, તપાસ અને જો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને વ્યક્તિગત રીતે સલાહ અને ધ્યાન રાખવાનું સમજાવવામાં આવે છે. ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ક્લબના સભ્ય ડો. મોનિલ શાહનું વક્તવ્ય યોજાયું હતું. 1000થી પણ વધુ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી. જેમાંથી 609નું બ્લડ ટેસ્ટ દ્વારા ક્રીનિંગ કરાયું હતું. ટ્રસ્ટી જાદવજીભાઈ વરસાણી તથા કીર્તિભાઈ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા. પ્રિન્સિપાલ હિનાબેન ગંગરે આયોજનમાં સહકાર આપ્યો હતો. સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટમાં ક્લબના સભ્ય ડો. અભિનવ કોટકે થેલેસેમિયા વિશે માહિતી સાથે વક્તવ્ય આપ્યું હતું. જેમાં 650 જેટલી વિદ્યાર્થિનીઓ પૈકી 544નું ક્રીનિંગ કરાયું હતું. બંને કોલેજમાં ભુજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમ સાથે તુષારભાઈ ઠક્કર તથા વિમલભાઈ મહેતાએ સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. પ્રિન્સિપાલ રીટાબેન સોનીએ સહકાર આપ્યો હતો. સભ્ય ડો. અમર મહેતાએ કોલેજોમાં આ આયોજન કર્યું હતું. તેમણે સર્વેને ચકાસણી માટે શપથ પણ લેવડાવ્યા હતા. બંને કોલેજોમાં પ્રમુખ ધર્મેશ મહેતા, મંત્રી દ્વિજેશ આચાર્ય સાથે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સરકારે જી.આર. બહાર પાડીને દરેક યુનિવર્સિટીને જણાવ્યું છે કે, દરેક કોલેજમાં જ્યારે વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે ત્યારે જ તેનો થેલેસેમિયા ટેસ્ટ થઈ જવો જોઈએ. આ માટે વોલસિટી ક્લબના સભ્યો દ્વારા કચ્છ યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયા તથા રજિસ્ટ્રાર ડો. એમ.જી. ઠક્કરને આવેદનપત્ર આપી આ નિયમ કચ્છની બધી જ કોલેજમાં લાગુ પાડવા જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer