જાવ જીવ સંથારાના પચ્ચખાણ લેનારા પૂ. પાંચીબા પંચમહાભૂતમાં વિલીન

જાવ જીવ સંથારાના પચ્ચખાણ લેનારા પૂ. પાંચીબા પંચમહાભૂતમાં વિલીન
ભુજ, તા. 22 : 1લી સપ્ટેમ્બરના સંસારપક્ષે પોતાની જ દીકરીયું પરિજ્ઞાજી મ.સ., વિજ્ઞપ્તિજી મ.સ., સુરુચિજી મ.સ. તથા કૈવલ્યશ્રીજી મ.સ.ના મુખેથી આઠમના ઉપવાસે જીવજાવ સંથારાના પચ્ચખાણ લેનારા રામવાવવાળા પાંચીબેન અનોપચંદ મહેતાનો સંથારો શનિવારે સીઝ્યો, રવિવારે 92 વર્ષના તપસ્વીની પાલખીયાત્રા છ કોટિ જૈન સંઘથી નીકળી હતી અને અમરધામ પહોંચી હતી. સદ્ગતના પરિવારની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે જીવદયાર્થે રૂા. 10.65 લાખ એકત્ર થયા હતા. તળાવ શેરી છ કોટિ સ્થાનકથી અમરધામ સુધીની પાલખીયાત્રામાં સમગ્ર જૈન સમાજ ભુજના પ્રમુખ મુકેશભાઈ ઝવેરી, પૂર્વ ધારાસભ્યો બાબુભાઈ મેઘજી શાહ, મોહનભાઈ શાહ, પંકજ મહેતા, વા.બે.ચો. જૈન સમાજના પ્રમુખ કાંતિભાઈ વોરા (કાકા), સદ્ગતના પરિવારજનો રસિકભાઈ, લવજીભાઈ, મનસુખભાઈ સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સમાજની દીકરીઓએ કાંધ આપી સન્માન આપ્યું હતું. સદ્ગતની ગુણાનુવાદ સભામાં સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિમાં સંથારાની અનુમોદના થઈ હતી. જૈન ધર્મના કઠિન તપના આરાધકની સાધનાની સરાહના થઈ હતી. રાપર, અમદાવાદ, મુંબઈ, ઉદયપુર, દુબઈથી પણ વ્રતધારીના દર્શનાર્થે સાધકો પહોંચ્યા હતા. સંઘપ્રમુખ અમરશી મહેતા, મંત્રી ધીરજભાઈની રાહબરીમાં પ્રત્યાખાન લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, સદ્ગતના પરિવારમાંથી 19 દીકરીયુંએ સંસાર છોડી સંયમપથ અપનાવ્યો છે. વ્રતધારીએ એક દિવસ પહેલાં જ સંથારો પૂર્ણ થવાના અણસાર આપ્યા હોવાથી ભાવિકો ઊમટી પડયા હોવાનું મહેશ પી. મહેતાની યાદીમાં જણાવાયું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer