ભણતર સાથે અત્યારે કૌશલ વિકાસ પણ જરૂરી

ભણતર સાથે અત્યારે કૌશલ વિકાસ પણ જરૂરી
ભુજ, તા. 22 : અદાણી ડેવલોપમેન્ટ સેન્ટર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લાના 1500 અનુસૂચિત જાતિની બહેનો તથા યુવાનો માટે વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીનાં જનન્મદિન પ્રસંગે નિ:શુલ્ક કૌશલ્યવર્ધન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ તાલીમ 3 મહિનાની રહેશે. ભુજ સ્થિત જુની રાવલવાડી ખાતે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મહેશ્વરી સમાજવાડીમાં આયોજિત આ કાર્યક્રમને તુલસીનાં છોડને પાણીથી સીંચી ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે, બહેનો અને યુવાનોએ હવે પોતાનામાં રહેલી શક્તિને કૌશલ્યવર્ધનમાં પરિવર્તિત કરવી પડશે. ભણવાની સાથે આ  યુગમાં સ્કિલ ડેવલોપમેન્ટનું મહત્વ વધ્યું છે. આ પ્રસંગે ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકીએ અદાણી સ્કિલ ડેવલોપમેન્ટની કામગીરી બિરદાવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામક વી.આર. રોહિતે કહ્યું કે, સમાજની બહેનોમાં રહેલી કૌશલ્ય શક્તિને વિકાસ માર્ગે લઇ જવા આ પ્રકારની તાલીમ આવશ્યક છે. સ્કિલ ડેવલોપમેન્ટનાં હેડ જતીનભાઇ ત્રિવેદીએ ખાતરી આપતા કહ્યું કે, કૌશલ્યવર્ધિત યુવાનો અને બહેનોએ તાલીમ મેળવી જે ઉત્પાદન કરશે તેનું ઓનલાઇન માર્કેટિંગ તથા રોજગારી આપવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનનાં સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા અદાણી સ્કિલ ડેવલોપમેન્ટનાં જલ્પેશભાઇ વાઘેલાએ સંસ્થા વિષે માહિતી આપી હતી. સાંસદના હસ્તે તાલીમાર્થીઓને કિટનું વિતરણ તથા દિવ્યાંગ તાલીમાર્થી સોનલબહેનનું સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંત વાઘેલા, માંડવી નગરસેવા સમિતિના ચેરપર્સન ધન્વંતરીબેન ગરવા તથા ભુજ નગરપાલિકાના કાઉન્સીલર સુશીલાબેન, ગોદાવરીબેન, રેશ્માબેન ઝવેરી તેમજ માધુરીબેન, ઉમરબેન તથા પૂર્વ નગરપતિ અશોક હાથી હાજર રહ્યા હતા. સમગ્ર કચ્છ જિલ્લામાંથી 1500 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કરશન ગઢવીએ કર્યું હતું. જ્યારે ભુજના હેડ સાગર કોટકે આયોજન સંભાળ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer