મેઘપર (બો.) (કું.)ની અનેક સોસાયટીઓ બીમાર

મેઘપર (બો.) (કું.)ની અનેક સોસાયટીઓ બીમાર
ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીમાં 100થી 150 જેટલી નાની મોટી સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીઓ પૈકી અનેકમાં ગટરનાં ઊભરાતાં પાણી, ગંદકીના થર, પીવાનું અશુદ્ધ પાણી, ઉબડખાબડ રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી લોકો વાજ આવી ગયા છે, ત્યારે આ સમસ્યાનો નિવેડો લાવવા લોકો માંગ કરી રહ્યા છે. મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડી (આદિપુરની ભાગોળે) અનેક સોસાયટીઓ આવેલી છે. આ મધ્યમવર્ગીય સોસાયટીઓમાં હજારો લોકો વસવાટ કરી રહ્યા છે. આ સોસાયટીઓ પૈકી અનેક સોસાયટીઓમાં ઊભરાતી ગટરની સમસ્યાથી લોકો વાજ આવી ગયા છે. અહીં ગંદકીના થર જામી ગયા છે. તો રસ્તાઓ પણ બિસમાર હાલતમાં છે. આ સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલાં છે, જેના કારણે મચ્છરજન્ય રોગો લોકોમાં ફેલાઇ?રહ્યા છે. આ એકેય સોસાયટીમાં ફોગિંગ સહિતની કોઇ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી. અમુક સોસાયટીઓમાં પીવાનું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે. તો અનેક સોસાયટીઓમાં દિવાબત્તી (સ્ટ્રીટ લાઇટ) પણ?લગાવવામાં આવી નથી અને જ્યાં લોકોએ પોતાના ખર્ચે લાઇટ લગાવી છે ત્યાં આ રોડલાઇટ ચાલુ કરાતી નથી. લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આવી સમસ્યાઓ અંગે રજૂઆત કરતી વેળાએ તમારી સોસાયટી પંચાયતમાં ચડેલી નથી, વગેરે ઉડાઉ જવાબ આપવામાં આવે છે. લોકો વેરા ભરે છે તથા ચૂંટણી વખતે મતદાન કરે છે ત્યારે રાજકીય અગ્રણીઓને આવી સોસાયટીઓના લોકો વહાલા લાગે છે, પરંતુ કોઇ સમસ્યાની રજૂઆત કરતી વખતે આવા જવાબ આપવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ આવી સોસાયટીઓના ડેવલોપર્સને જી.ડી.એ. પરવાનગી આપતી વખતે સ્થળ નિરીક્ષણ ન કરતી હોવાની પણ ફરિયાદ ઊઠી હતી. ખરેખર કાગળમાં બતાવાય છે કાંઇક અને જમીની હકીકત કાંઇ અલગ જ હોય છે. હાલમાં આવી સોસાયટીઓના લોકો ચારેય બાજુએથી અનેક  સમસ્યાઓથી ત્રસ્ત છે, ત્યારે આવી સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરવામાં આવી હતી. અન્યથા આગામી સમયની ચૂંટણીમાં લોકો પોતે નિવેડો લાવશે તેવું આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer