ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં 150 જેટલા વૃક્ષોનું થયું વાવેતર

ગાંધીધામ,તા. 22 : મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી અંતર્ગત રેલવે પ્રશાસન દ્વારા આયોજિત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અમદાવાદ ડિવિઝનના ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પરિસરમાં વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. ગુરુવારે મારવાડી યુવા મંચ, અગ્રવાલ સમાજ, માનવતા ગ્રુપ, ગાંધીધામ ટેકસી ડ્રાઈવર યુનિયન, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ, કિશનલાલ ગુપ્તા મેમોરીયલ ટ્રસ્ટ, રેલવે સ્ટાફ, કંટ્રોલ સ્ટાફ, અને રેલવેના પ્રવાસીઓ આ ખાસ ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાયા હતા. સેંકડો લોકોએ આ અભિયાનમાં જોડાઈને સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા ઝુંબેશ આદરી હતી. આ વેળાએ પ્રવાસીઓને કપડાની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા અનુરોધ કરાયો હતો. આ દરમ્યાન સ્ટેશન પરિસરમાં વધુ ભાત ભાતના 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ સૂકા અને ભીના કચરા નાખવા માટેની 46 જોડી કચરા પેટીઓ પણ આ ઝુંબેશ દરમ્યાન લગાડવામાં આવી હતી. ઝુંબેશ દરમ્યાન 12 કિલો પ્લાસ્ટિક કચરો અને 55 કિલો અન્ય કચરો એકત્ર કરી નાશ કરવામાં આવ્યો હતો. એરિયા રેલવે મેનજેર આદિશ પઠાનિયાના માર્ગદર્શન હેઠળ આયોજનને પાર પાડવા રેલવે કર્મચારીઓ સહયોગી બન્યા હતા. આ વેળાએ સિનિયર ડી.ઈ.એન ફેડ્રીક પેરીયત, સ્ટેશન મેનેજર સત્યેન્દ્ર યાદવ, સી.એચ.આઈ. દિનેશ મીના, ડેપ્યુટી એસ.એસ. રાજેશકુમાર, મારવાડી યુવા મંચના જિતેન્દ્ર જૈન, ભરત ગુપ્તા તેમજ અન્યો હાજર રહ્યા હતા.