મોડવદર ગામે ખાનગી કંપની દ્વારા તળાવમાં ગંદાં પાણીનો નિકાલ

મોડવદર ગામે ખાનગી કંપની દ્વારા તળાવમાં ગંદાં પાણીનો નિકાલ
મોડવદર (તા. અંજાર), તા. 22 : અહીં આવેલી શીલફેટસ એન્ડ પ્રા. લિ. કંપની દ્વારા ગામના તળાવમાં કેમિકલયુક્ત ગંદાં પાણીનો નિકાલ કરાતાં મુશ્કેલી સર્જાઇ છે. ગામના સરપંચ ગીતાબેન તથા ગ્રામજનો દ્વારા અંજાર પ્રાંત અધિકારીને અપાયેલા આવેદનમાં જણાવાયા મુજબ આ ગામમાં આવેલી શીલફેટસ એન્ડ પ્રા. લિ. કંપનીએ ગામલોકો જેનો ઉપયોગ કરે છે અને સરકાર દ્વારા 2018માં સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડા ઊતરાવાયેલા તળાવમાં કેમિકલયુક્ત ગંદાં પાણીનો નિકાલ કરવામાં આવે છે, જેથી આ પાણી તદ્દન બિનઉપયોગી થઇ ગયું છે. આ ઉપરાંત કંપની દ્વારા ગામની ગૌચર જમીન પર વાહનોનું પાર્કિંગ, આસપાસના ખેતરોમાં ગંદાં પાણી ભરાયેલાં પડયાં છે. કૂવાનાં પાણી કેમિકલયુક્ત થઇ જવા, પાકને નુકસાન, પંચાયત પાસેથી કંપની દ્વારા આજ સુધી પ્લાન કે બાંધકામની મંજૂરી ન મેળવવી, લોકસુનાવણી ન કરવી, કંપનીના મંજૂર થયેલા બિનખેતી લે-આઉટ મુજબ રસ્તા ન મૂકવા, કંપની દ્વારા ઉપયોગમાં લેવાતા ગેસની દુર્ગંધથી ગામમાં બીમારીનું પ્રમાણ વધવું વગેરે બાબતે આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer