ડિ''કોકની બેટિંગે દ.આફ્રિકાની જીત

બેંગ્લોર, તા. 22 : કપ્તાન ડિ'કોકના શાનદાર પ્રદર્શન (79)ની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 વિકેટે પરાજય આપી ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વિજયની સાથે ટી-20 શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 9 વિકેટે 134 રન બનાવ્યા હતા, જેને દ. આફ્રિકાએ 16.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન સાથે પાર પાડી શ્રેણી જીતવાની ભારતની આશા પર પાણી ફેરવ્યું હતું. ભારતથી મળેલા 135 રનના મામુલી લક્ષ્ય સામે દ. આફ્રિકાની શરૂઆત જોરદાર રહી હતી. માત્ર 10 ઓવરમાં જ ઓપનર રીજા હેન્ડ્રીક્સ (28) અને ડિ'કોક (અણનમ 79)એ મળીને 76 રનની ભાગીદારી કરી હતી. આ જ સ્કોર પર હેન્ડ્રીક્સ આઉટ થયો હતો. જો કે, આ પછી ભારતને કોઇ વિકેટ મળી ન હતી. આ પછી દાવમાં આવેલા ટેમ્બા બાવુમા (અણનમ 27)એ ડિ'કોક સાથે મળીને પોતાની ટીમને માત્ર 16.5 ઓવરમાં  જ જીત અપાવી હતી. બાવુમાએ 23 દડાના પોતાના દાવમાં બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. ડિ'કોકે બાવન દડાની ઇનિંગમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા લગાવ્યા હતા. ભારતની બોલિંગ દ. આફ્રિકી બેટધરો સામે નિષ્પ્રભાવી રહી હતી અને એકમાત્ર હાર્દિક પંડયાને એક વિકેટ મળી હતી. જો કે, આ માટે તેણે 23 રન આપ્યા હતા. આ પહેલાં ભારતીય ટીમ નિયમિત પડતી વિકેટોને કારણે મોટું લક્ષ્ય બનાવી શકી ન હતી. ભારતની પહેલી વિકેટ રોહિત શર્મા (9)ના રૂપમાં 22 રને પડી હતી. જામવાનો પ્રયત્ન કરી રહેલો શિખર ધવન (36) પણ 63ના જુમલે આઉટ થયો હતો. તે પછી 98 રન સુધીમાં કોહલી (9), પંત (19), શ્રેયસ ઐયર (5) અને કુણાલ પંડયા (4)ની વિકેટો પડી જતાં ટીમ સંઘર્ષમાં મુકાઇ હતી. જો કે તે પછી નિયમિત વિકેટ પતન વચ્ચે રવીન્દ્ર જાડેજા (19), હાર્દિક પંડયા (14)ના યોગદાનથી ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 134ના જુમલે પહોંચી શકી હતી. દક્ષિણ આફ્રિકાની બોલિંગ ધારદાર રહી હતી. રબાડાને ત્રણ જ્યારે હેન્ડ્રીક્સ અને ફોર્ચ્યુનને બે-બે વિકેટ મળી હતી. શમ્સીને 1 વિકેટ મળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer