સફેદરણ વગર રણોત્સવ 1લી નવે.થી શરૂ

ભુજ, તા. 22: કચ્છનાં ધોરડો ખાતે સફેદ રણમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજય સરકાર દ્વારા 1લી નવેમ્બરથી 20મી ફેબ્રુઆરી, 2020 સુધી રણોત્સવ રાબેતા મુજબ યોજાશે. સફેદ રણનો નજારો ડિસેમ્બર બીજા અઠવાડિયા સુધીમાં માણી શકાશે. આ વર્ષે સફેદ રણમાં વરસાદી પાણી ભરાયાં હોવાને કારણે હાલે પ્રવાસીઓ સફેદરણમાં નહીં જઇ શકે તેવી બુકીંગકર્તાઓ દ્વારા પ્રવાસીઓને જાણકારી પણ આપવાની રહેશે, તેવો સ્પષ્ટ નિર્દેશ પણ જિલ્લા કલેકટર એમ. નાગરાજન દ્વારા ગત તા.18/9ના  રણોત્સવ અંતર્ગત મળેલી બેઠકમાં  અપાયો હતો.  જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં વધુમાં ચર્ચા થયા અનુસાર હાલની વરસાદની પરિસ્થિતિમાં પાણી ભરાયેલા હોવાને કારણે સફેદરણને શરૂ થવામાં એકાદ મહિનો મોડું થાય તેવું પણ તંત્ર તરફથી જણાવાયું હતું. ડિસેમ્બર માસનાં પહેલાં કે બીજા અઠવાડિયા પછી સફેદરણમાં પાણી સૂકાઇ જવાની શકયતા દર્શાવી તંત્ર દ્વારા પ્રવાસન વિભાગ અને લલ્લુજી એન્ડ સન્સને પણ રણોત્સવના બુકીંગ સમયે પ્રવાસીઓને સફેદરણમાં હાલે નહીં જઇ શકાય તેવી જાણકારી આપવા તંત્ર દ્વારા સૂચના અપાઇ હતી અને પ્રવાસન વિભાગ અને લલ્લુજી એન્ડ સન્સને તે અંગેનો સત્તાવાર પત્ર પણ પાઠવવામાં આવી રહ્યો છે, તેમ નિવાસી અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલાએ જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રણોત્સવની તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે. હવે પછી ટેન્ટસિટી આજુબાજુનાં સ્થળ નિરીક્ષણ સાથે 1લી ઓકટોબરના કલેકટરના અધ્યક્ષપદે આગામી રણોત્સવની મળનારી બેઠકમાં દરેક વિભાગોને સોંપાયેલી કામગીરીની સમીક્ષા થશે. પ્રવાસન નિગમ દ્વારા ટેન્ટસિટીની બહારની સાઇડમાં ક્રાફટ સ્ટોલ, ફૂડસ્ટોલ, લાયબ્રેરી, થીમ પેવેલિયન વિગેરે પણ કરાશે. આ અંગેની જુદા-જુદા વિભાગોના સહયોગથી આનુષંગિક કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દર વર્ષની જેમ આવનારા પ્રવાસીઓ માટે કાળાડુંગર ખાતે દર્શન, વનકેડીઓ અને લોંગદર્શનની જરૂરી વ્યવસ્થા કરાશે. આ સાથે પ્રવાસીઓ માતાના મઢ, નારાયણ-સરોવર-કોટેશ્વર વગેરે સ્થળોની સાથે કચ્છદર્શનનો લ્હાવો પણ મેળવી શકશે તેવું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer