ઉદ્યોગોને માલપરિવહનમાં રેલવેની અનેક રાહતો

ગાંધીધામ, તા. 22 : દેશના અર્થતંત્રમાં નરમાશના કારણે ઉદ્યોગ જગતને ભારે આર્થિક ફટકો પડી રહ્યો છે ત્યારે રેલમાર્ગે થતા માલ પરિવહનના ભાડામાં રેલવે પ્રશાસન દ્વારા ઉદ્યોગ જગતને રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. પ્રશાસનના આ નિર્ણયથી  સમગ્ર પશ્ચિમ રેલવેમાં સાર્વધિક માલ પરિવહન થાય છે તે કંડલા મુંદરા બંદર ઉપર પરિવહન કરતા ઉદ્યોગને મોટી રાહત થશે અને રાહતનાં પગલાંથી કચ્છના બંદરો ઉપર રેલમાર્ગે પરિવહન વધશે તેવો આશાવાદ વ્યકત કરાઈ રહ્યો છે.  રેલવેના આધિકારિક સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આર્થિક મંદીમાં માલ પરિવહન કરતા ઉદ્યોગોને રાહત આપવાના અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે, જેમાં મુખ્યત્વે  રેલવે દ્વારા બીઝી સિઝન ચાર્જ  લેવાનો નિર્ણય મુલતવી રાખવાનો નિર્ણય મહત્ત્વનો છે. રેલવે દ્વારા 1 ઓકટોબરથી 30 જૂન 2020 સુધી 15 ટકા બીઝી સિઝન ચાર્જ વસૂલવાની શરૂઆત કરવામાં આવનારી હતી. તે મુલતવી રખાતાં 15 ટકાનો સીધો ફાયદો માલ પરિવહન કરતા  ઉદ્યોગોને થશે. હાલ જ્યાં સુધી બીજો કોઈ પરિપત્ર જારી કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ ઉપરાંત મિની અને ટુ પોઈન્ટ રેકમાં લેવામાં આવતો પાંચ ટકા સપ્લીમેન્ટરી ચાર્જ રદ કરવામાં  આવ્યો છે. આ રાહતથી સિમેન્ટ, સ્ટીલ, ફૂડ ગ્રેઈન અને ખાતરના  પરિવહનમાં વધારો થશે. કન્ટેનર ટ્રાફિકમાં રાઉન્ડ ટ્રીપ ચાર્જ પહેલાં 50 કિલોમીટરના અંતરે લેવામાં આવતો હતો. હવે 0થી 100 કિલોમીટર ઉપર આ રાઉન્ડ ટ્રીપ ચાર્જ વસૂલવા નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી એક ટીઈયુસ ઉપર 35 ટકા જેટલી ભાડામાં રાઉન્ડ ટ્રીપમાં રાહત મળશે અને આયાત-નિકાસમાં પણ વધારો થશે. બંદરો ઉપરથી ખાલી કન્ટેનરોના ભાવમાં 25 ટકા જેટલી રાહત આપવામાં આવી છે. આ રાહતથી લોડેડ કન્ટેનરોના લોડિંગમાં વધારો થવાની આશા પ્રશાસન વ્યકત કરી રહ્યું છે. રેલવેના આ નિર્ણયથી રેલવે માર્ગે અને અન્ય માર્ગેથી થતા પરિવહનના ભાવ  વચ્ચે સ્પર્ધા થશે અને આ રાહતોથી પ્રશાસનના માલ પરિવહનમાં વધારો થશે તેવી શકયતા આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. દર ઉપરાંત કન્ટેનર પરિવહનમાં નોટિફાઈડ કરેલી કોમોડિટી ઉપર 15 ટકા સીસીઆર ચાર્જ વસૂલવામાં આવતો હતો. પ્રશાસન દ્વારા 90થી વધુ ચીજ-વસ્તુઓને સીસીઆર (કન્ટેનર કલાસ રેટ)માંથી બાદ કરવામાં આવી છે. મુંદરા બંદરેથી મારુતિની કારની નિકાસ થાય છે. પ્રતિ મહિને રેલમાર્ગે મારુતિની 10 હજાર કાર એકસપોર્ટ થવા માટે આવે છે. ઓટો સેકટરના પરિવહન માટે કાર પરિવહન માટે રેલવે દ્વારા નવા બી.સી.એ.સી.બી.એમ વેગન બનાવવા નિર્ણય લેવાયો છે. તેમજ વધુ એન.એમ.જી રેક ઉપલબ્ધ કરાવાશે તેમજ પરિવહનના દરમાં પણ રાહત અપાઈ છે અને ચાર નવા વેઈટ સ્લેબ અમલી કરવા પણ નિર્ણય લેવાયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer