સારા વરસાદ, બાદ દેખાતી બીમારીના અનુસંધાને માગો ત્યાં તબીબી કેમ્પ

ભુજ, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવણીના ભાગરૂપે સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા માગો ત્યાં મેડિકલ કેમ્પ યોજના અંતર્ગત મુંદરા તાલુકાના કણઝરા ગામે વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં કણઝરા પંચાયતી પ્રાથમિક શાળાના બાળકોની તપાસ કરી અને સારા સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટપ્પર, વાંકી, અને કણઝરા વિગેરે ગામના દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં લેબ પરીણક્ષની વ્યવસ્થા પણ વાંકી પી.એચ. સી. દ્વારા કરવામાં આવી હતી અને સ્થાનિકે જ લોહી પરીક્ષણ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનું ઉદ્ઘાટન કરતાં સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે આગામી દિવાળી સુધી ચાલનારી આ માગો ત્યાં મેડિકલ કેમ્પ યોજના દ્વારા કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સહયોગથી ચાલુ વરસે કચ્છ જિલ્લાના ગામડે ગામડે શ્રીકાર વરસાદ પડવાના કારણે બીમારીએ દેખા દીધી છે. તે બીમારીને ડામી દેવા માટે યોગ્ય પ્રયાસ કરવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં દર્દીઓને દવા, ઈન્જેકશન, ગ્લુકોઝના બાટલા વિગેરેની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી હતી અને આગામી કેમ્પ તા. 22/9/19 ને રવિવારે સવારે 9થી 1 ભુજ તાલુકાના પદ્ધર મુકામે યોજાશે તેવું જણાવાયું હતું. મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા,  રવાભાઈ આહીર, ગામના સરપંચ શંભુભાઈ આહીર, વાંકી ગામના ઉપસરપંચ નિઝારભાઈ, કણઝરાના માજી સરપંચ અરજણભાઈ, શાંતિલાલભાઈ, ભીખાભાઈ કાના, કે.ટી. ગોહિલ, વિજયભાઈ, વાલાભાઈ વિગેરેએ સહયોગ આપ્યો હતો. ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ડો. અશોકભાઈ ત્રિવેદી, ડો. મોહનભાઈ ગઢવી, મુંદરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ગિરવર બારિયા, મુંદરા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હરિભાઈ જાટિયાએ સેવા આપી હતી. સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજના રમેશભાઈ રામાનુજ, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના જનરલ મેનેજર અંકિત ગાલા વિગેરએઁ જહેમત ઊઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer