ગાંધીધામ આવતા દારૂના બે કન્ટેનર ઝડપાયા

અમદાવાદ, તા. 22 : ગાંધીના ગુજરાતમાં દારૂની પાબંદી હોવા છતાં દારૂની રેલમછેલ થઈ રહી છે, ત્યારે એસ.પી. રિંગરોડ, સરખેજ પાસેથી દારૂ ભરેલા બે કન્ટેનર ઝડપવા સાથે 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. દારૂ ભરેલું આ કન્ટેનર રાજસ્થાનથી મુંબઈ, મુંબઈથી ભરૂચ, ભરૂચથી અમદાવાદ થઈ ગાંધીધામ જઈ રહ્યું હતું. આ ગુનાનો આરોપી હજુ ફરાર છે, જેની ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપીઓમાં અનિલ પટેલ, મુજાહીર પઠાણ અને સુલતાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. કન્ટેનરમાંથી કુલ 980 જેટલી અંગ્રેજી દારૂની પેટી કે જેની કિંમત 35 લાખ થવા જાય છે અને કન્ટેનર દસ લાખ મળી કુલ 45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. દારૂ ભરેલું આ કન્ટેનર રાજસ્થાન આવ્યું હતું, જે મુંબઈ ગયું હતું. જ્યાં નવી મોડસ ઓપરેન્ડી તળે ડ્રાઈવર બદલી નાખવામાં આવ્યા હતા અને મુજાહીર અને સુલતાન નામના બે ઈસમ આ કન્ટેનર ભરૂચ સુધી અને ત્યાંથી અમદાવાદ લાવ્યા હતા. અમદાવાદમાં સુનીલ દરજી નામના મુખ્ય આરોપીએ અમદાવાદના અનિલ પટેલને આ કન્ટેનર વિરમગામ ક્રોસ કરાવવા કહ્યું હતું. જે મુજબ અનિલ પટેલ મુજાહીર અને સુલતાન સાથે મળીને વિરમગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે ક્રાઈમ બ્રાન્ચે તમામને કન્ટેનર સાથે ઝડપી પાડયા હતા અને મુખ્ય આરોપી સુનીલ દરજી ફરાર છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer