નલિયાનો સાચેરાઈ ડેમ તકલાદી બાંધકામના કારણે ચોમાસામાં જ તૂટી ગયાનો આક્ષેપ

નલિયા, તા. 22 : અબડાસાના મુખ્ય મથક નલિયા મધ્યે સાચેરાઈ ડેમ તકલાદી કામના કારણે તૂટી ગયો છે. ચોમાસા પહેલાં આ કામ કરાયું હતું પણ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટર પાસેથી કામ કરાવ્યું હતું. તકલાદી કામના કારણે ડેમ તૂટી જતાં જિ.પં. સદસ્ય તકીશાબાવા સૈયદે તપાસની માગણી કરી છે. નલિયા બેલાવાંઢ રોડ પાસે અજરા નામનો ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ ઓગનથી નીચો હોતાં ડેમમાં ઘૂંટણ સુધી માંડ પાણી રહે છે. અંદાજિત 200 એકર જમીનને ફાયદો થાય તે હેતુથી બનાવવામાં આવેલ ડેમનું કામ તદ્દન તકલાદી હોતાં કામનો કોઈ હેતુ સરતો નથી. અબડાસાના ત્રણ જિ.પં. સદસ્યો અને તપાસનીશ અધિકારીની સમિતિ રચી જવાબદારી નક્કી કરી પગલાં લેવા માંગ કરી છે. મોકરશીવાંઢ, ભદ્રાવાંઢ, નોતિયારવાંઢ, મેમણવાંઢ, જખરાવાંઢમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ થયું છે. પશુધનનું પણ મૃત્યુ થયું છે. જૂની મોકરશીવાંઢમાં હજી પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલ છે. નુકસાની અંગે કેશડોલ્સ કે કોઈ સહાય ચૂકવવા સર્વે કામગીરી હાથ ધરાઈ કે નહીં કઈ એજન્સીએ સર્વે કરેલ તેની વિગતો માગવામાં આવી છે. તેરા ગામે કબ્રસ્તાન પાસે અરિહંત સાગર ડેમ આવેલ છે. વરસાદમાં પાણી ભરાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો છે. ત્યાં પુલિયો બનાવવા ઉપરાંત કુણાઠિયા ગામે મેઈન રોડને જોડતો માર્ગ બનાવવા રજૂઆત કરી હતી. નલિયા મફતનગરમાં દર વર્ષે વરસાદી પાણી એકઠું થતાં ત્યાંના રહીશોની ઘરવખરીને નુકસાન થાય છે. પાણીના નિકાલની કાયમી ઉકેલ તેમજ કુંભાર ફળિયાથી પેનલછા પીરની દરગાહથી કબ્રસ્તાન સુધીને જોડતો પુલિયો અત્યંત જર્જરિત હોતાં જેનું મરંમત અથવા નવીનીકરણ કરવા માગણી કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer