શિવલખામાં તળાવમાંથી ભેંસો બહાર કાઢવા ગયેલા યુવાનનું ડૂબવાથી મોત

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના શિવલખા ગામમાં તળાવમાં ડૂબી જતાં ભરત બબાભાઈ વાલ્મિકી (ઉ.વ. 32) નામના યુવાનનું મોત થયું હતું. બીજી બાજુ શિકારપુરમાં ન્યામતબેન રમજાન સમા (ઉ.વ. 40) નામના મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. શિવલખા ગામના કાકરિયા તળાવમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. મૂળ સરદારપુરા ચાણસ્મા પાટણના ભરત નામના યુવાને જીવ ખોયો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ યુવાન ભેંસો ચરાવી રહ્યો હતો દરમ્યાન આ ભેંસો તળાવમાં  જતાં    અને તેને બહાર કાઢવા જતાં આ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત થયું હતું. બીજીબાજુ શિકારપુરમાં આપઘાતનો બનાવ બન્યો હતો. આ ગામમાં રહેનાર ન્યામતબેનએ ગઈકાલે અંતિમ પગલું ભરી લીધું હતું. આ મહિલા પોતાના ઘરે હતા ત્યારે દોરી વડે ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. આ બન્ને બનાવોમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer