ગાંધીધામમાં કેબિન રાખવા મુદ્દે બે પક્ષો વચ્ચે સશત્ર હુમલો

ગાંધીધામ, તા. 22 : શહેરના સુંદરપુરીમાં કેબિન રાખવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી થતાં બંને જૂથના કુલ 9 લોકોને ઈજાઓ પહોંચી હતી. બીજીબાજુ અંજારના મેઘપર બોરીચીમાં મજૂરના પૈસા મુદ્દે ચાર લોકોએ એક યુવાન ઉપર હુમલો કર્યો હતો. શહેરના જૂની સુંદરપુરી બસસ્ટેન્ડ સામે કચ્છ ટ્રાવેલ્સની ઓફિસ પાસે મારામારીનો બનાવ ગઈકાલે રાત્રે બન્યો હતો. સરકારી તંત્રોએ અહીંથી દબાણ હટાવી લીધા બાદ કેબિન રાખવા મુદ્દે આ બબાલ થઈ હતી. વિનોદ કેશવલાલ મહેશ્વરીએ સતીશ ચંદ્રભાણ જૈન, આશિષ ચંદ્રભાણ જૈન, ચંદ્રભાણ જૈન, દેવજી પચાણ મહેશ્વરી, રવિ અભુ મહેશ્વરી અને મુકેશ માંગીલાલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ આરોપીઓએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી તેમજ તેના પિતા, ભાઈ અને રાજેશને પણ ઈજાઓ પહોંચી હતી. તો સામા પક્ષે સતીશ ચંદ્રભાણ જૈન (પંડિત)એ કિશોર, વિનોદ કિશોર, નરેશ કિશોર અને રાજેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ આરોપીઓએ હુમલો કરતા ફરિયાદી તથા તેના પિતા, તેની પત્ની સપનાદેવી, દેવજી, રવિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી તો મુકેશને અસ્થિભંગ સહિતની ઈજાઓ થઈ હતી. આ બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ મેઘપર બોરીચીમાં મારામારીનો બનાવ બન્યો હતો. ફરિયાદી સુલેમાન અલી મામદ સુમાર શેખનો દીકરા જીકર જ્યાં મજૂરી કરે છે તે દુકાનદાર પાસેથી મજૂરીના પૈસા માગતા ઉસ્માણગની ગુલમામદ શેખ, અનવર ગુલમામદ શેખ, હસીના ઉસ્માણ શેખ અને આઈશાબેન શેખ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ઘવાયેલ સુલેમાન શેખને પ્રથમ રામબાગ પછી ભુજ અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ  ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer