ભેરૈયા જમીનનો 50 વર્ષ અગાઉનું વેચાણ રદ કરતો નાયબ કલેકટરનો હુકમ રદ

ભેરૈયા (તા.માંડવી), તા. 22 : ભેરૈયાની રે.સ.નં. 117/11 વાળી જમીન અંગે રેવન્યૂ રેકર્ડે 50 વર્ષ અગાઉ થયેલા વેચાણ વ્યવહાર અંગેની નોંધને લાંબા સમયગાળા બાદ નાયબ કલેકટર મુંદરા સમક્ષ વર્ષ 2013ના સમયગાળામાં પડકારવામાં આવ્યો હતો. આ વેચાણ વ્યવહારની તેમજ ત્યારબાદની નોંધો નાયબ કલેકટર મુંદરા દ્વારા વર્ષ 2015માં રદ કરવામાં આવી હતી. આ અંગે જમીનના માલિક મોહનલાલ પટેલ દ્વારા કલેકટર કચ્છ સમક્ષ રિવિઝન કરાતાં તાજેતરમાં જ કલેકટર કચ્છ દ્વારા તા. 01-05-2019ના ચુકાદાથી નાયબ કલેકટર મુંદરાનો હુકમ રદ કરવામાં આવેલો છે. એટલું જ નહીં પણ કલેકટરના હાલના તે હુકમ  સામે વાંધેદારે સચિવ મહેસૂલ વિભાગ અમદાવાદ સમક્ષ રિવિઝન દાખલ કરી હતી. જે  રિવિઝનમાં પણ સચિવ દ્વારા તેમના તાજેતરના ચુકાદાથી  સ્પષ્ટ કરેલું છે કે, રજિસ્ટર્ડ દસ્તાવેજ વર્ષ 1961ની નોંધ અંગે લાંબા સમય બાદ તકરાર લીધી છે અને તેના વિલંબના વાજબી કારણો પણ નથી,  કાયદો જાગૃત વ્યકિતને મદદ કરે છે. વિલંબ માફ કરવા માટે પૂરતું કારણ જરૂરી છે. પૂરતું કારણ રજૂ ન કરાય તો ટૂંકા સમયનો વિલંબ પણ માફ થઈ ન શકે તેમજ અન્ય નામદાર ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ તેમજ કાયદાના  સિદ્ધાંતો ટાંકીને  ચુકાદો આપી કલેકટર કચ્છનો હુકમ કાયમ રાખવામાં આવેલો છે.  આ સમગ્ર બાબત કલેકટર તેમજ સચિવ અમદાવાદ સમક્ષ અરજદારના એડવોકેટ તરીકે શશીકાંત એમ. ઠક્કર તેમજ દીપક ગોસ્વામીએ રજૂઆતો કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer