ખાવડા પંથકમાં ખનિજ વહન કરતી ઓવરલોડ ટ્રકોને અટકાવવા માંગ

લોરિયા (તા. ભુજ), તા. 22 : ખાવડા પંથકની અમુક કંપનીઓ માટે ખનિજ વહન કરતી ટ્રાન્સપોર્ટની ટ્રકો રાત દિવસ ઓવરલોડ ચાલતી હોવાની આર.ટી.ઓ.ના મુખ્ય અધિકારીને ફરિયાદ કરાઈ હતી. આ અંગે બનેસિંહ જાડેજાએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ  ટ્રાન્સપોર્ટ કંપનીઓના વાહન તાલપત્રી બાંધ્યા વિના ચાલતી ટ્રકોમાંથી નાના મોટા પથ્થરો, મલબો રોડ વચ્ચોવચ્ચ પડે છે. જેથી અકસ્માતનો ભય રહે છે. રાત્રે ચાલતી ટ્રકો પાસે રોયલ્ટી હોતી નથી. રોયલ્ટી સાંજે ઓનલાઈન બંધ થયા બાદ રાત્રે તમામ ટ્રકો ગેરકાયદેસર ખનિજ વહન કરે છે. રાત-દિવસ ચાલતી આ ટ્રકોમાં ઓવરલોડના કારણે રોડને ખૂબ જ નુકસાન થાય છે. ટુવ્હીલર અને નાના વાહનો માટે સતત અકસ્માતનો ભય રહે છે. રાત્રે ટ્રકો પૂરપાટ અને બેફામ ગતિથી દોડે છે. ટ્રાન્સપોર્ટ કંપનીઓનાં નામજોગ ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ ખાવડા પંથકમાં ચાલતી આવી ટ્રકોની કામગીરીની યોગ્ય તપાસ થાય અને લોકોની સુખાકારી જળવાય, અકસ્માતનો ભય ટળે તેમ જણાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer