પૂર્વ કચ્છમાં બેલગામપણે થતી ખનિજ ચોરી પર રોક લગાવવા માંગ

અંજાર, તા. 22 : પૂર્વ કચ્છની અંજાર સીમ, વીડી, બગીચો, મોટી નાગલપર, સિનુગ્રા, મીંદિયાળા, ખેડોઈ, ભુવડ, શિણાઈ તેમજ ભચાઉ અને રાપર વિસ્તારમાં કાયદેસરની લીઝ પાસ જમીન ઉપરાંતની ગૌચર જમીનોમાંથી બેલગામ પણે ખનિજ ચોરી અંગેની રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદન પત્ર પાઠવીને આમ આદમી પાર્ટી કચ્છે કરી છે. આમ આદમી પાર્ટી કચ્છના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ રોશન અલીભાઈ સાંઘાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લખેલું આ આવેદન પત્ર ડેપ્યુટી કલેકટરને અપાયું હતું જેમાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ જિલ્લામાં ગૌચર જમીન ઉપર ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી થઈ રહી છે અને ઓવર લોડિંગ ગાડીઓ ચલાવામાં આવે છે તેની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા પત્રમાં માંગ કરાઈ છે. આ બેફામ  ખનિજ ચોરી ખનિજ ખાતાના નાક તળે થઈ રહી છે. છતાં આંખ આડા કાન થઈ રહ્યા છે. આથી અહીં ખનિજ ખાતા તથા વહીવટતંત્રના અમુક અધિકારીની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓનું રાજ ચાલી રહ્યું છે તેવો આક્ષેપ પણ પત્રમાં કરાયો છે. પત્રમાં વધુમાં ઉમેરાયું હતું કે, સ્થાનિક ખનિજ તંત્રને નાગલપરની સીમમાં થતી ખનિજ ચોરી દરમ્યાન ફરિયાદ કરવા ફોન કરતાં જવાબ ન મળ્યો અને સ્થાનિક કચેરીએ રૂબરૂ ફરિયાદ કરવા ગયા ત્યારે અધિકારી હાજર ન હતા. ત્યારબાદ સામેથી ફોન આવ્યો અને ફરિયાદ લખાવી ત્યાં સુધી ખનિજ ચોરો નાસી ગયા હતા. આવું અનેકવાર બન્યું છે. વારંવાર આધાર-પુરાવા સાથે રજૂઆત કરાઈ હોવા છતાં પગલાં ન લેવાતાં હોવાનો રોષ પત્રમાં ઠાલવ્યો હતો અને હવે ખનિજ ચોરી રોકવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ પત્રમાં અપાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer