બ્રેઈલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓએ હૃદયસ્થ કરવી જોઈએ

ભુજ, તા. 22 : કચ્છ જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો માટે અલગ-અલગ ચાર વિભાગમાં બ્રેઈલ લેખન અને વાંચનની સ્પર્ધા યોજવામાં આવી હતી. શરૂઆત રોજીના લુહાર અને પ્રગતિ સુથાર દ્વારા કરવામાં આવી હતી.નેશનલ એસોસીએશન ફોર ધ બ્લાઈન્ડ કચ્છ ડિસ્ટ્રીક્ટ બ્રાંચ ભુજના પ્રમુખ અભયભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં દીપ પ્રાગટય દ્વારા સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી. હરીફો તેમજ આમંત્રિતોને સંસ્થાના મંત્રી મનોજ જોષીએ આવકાર આપ્યો હતો. સ્પર્ધામાં ધોરણ-1થી 12 તથા ઓપન એમ ચાર વિભાગમાં બ્રેઈલ લેખન અને વાંચન માટે 75 હરીફોએ ભાગ લીધો હતો તેમજ સ્પર્ધામાં સરકારી અંધશાળા-ભુજ, નવચેતન અંધજન મંડળ માધાપર, કચ્છ વિકાસ ટ્રસ્ટ રાયધણપર અને અંધ-અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી જેવી આ ચાર સંસ્થાઓના બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં લેખન વિભાગમાં નિર્ણાયક તરીકે લક્ષ્મીદાસભાઈ સોની તથા ભીમભાઈ બારૈયાએ સેવા આપી હતી તેમજ વાંચન વિભાગમાં ગોહિલ મેનાબા તથા મંજુલાબેન ગાગલિયાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. અલગ-અલગ ખંડોમાં વિભાગ પ્રમાણે લેખન અને વાંચનની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. દરેક વિભાગમાં સ્પર્ધકોને પ્રથમ યોગ્ય માર્ગદર્શન તેમજ બ્રેઈલ લિપિનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના આયોજન અને સંચાલન માટે સંસ્થાના કારોબારીના સભ્યો દેવાંગ ગઢવી, શંકરભાઈ દામા, શંકરભાઈ મારૂએ વ્યવસ્થા સંભાળી હતી. સંસ્થા પ્રમુખ અભય શાહ, ખજાનચી પ્રકાશભાઈ ગાંધીએ સ્પર્ધામાં પધારેલા સ્પર્ધકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આજના ઈલેક્ટ્રોનિક્સ અને મીડિયાના સમયમાં આપણું કૌશલ્ય પણ એટલું જ અગત્યનું છે. બ્રેઈલ લિપિનું લેખન તથા વાંચન સૌ પ્રજ્ઞાચક્ષુઓને હૃદયસ્થ કરવું જોઈએ. વિજેતાઓને સંસ્થા દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારને વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યા હતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ ભાગ લેવા બદલ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. હર્ષભાઈ ઠક્કર તથા મનીષાબેન પટેલનો આર્થિક સહયોગ સાંપડયો હતો. લેખનમાં વેરાત રામ રણછોડ, દશરથ કરસનભાઈ રાઠોડ, રોજીના મોહમદ લુહાર, મહેશ્વરી સાવન, ગરોડા પૂનમ પ્રવીણભાઈ, શબીર કાસમભાઈ ભૂકેરા, કોલી મીઠું, મકવાણા હસમુખ, કોલી ક્રિષ્ના વેલજી, અજય ગરવા, મીનાબેન વાઘેલા, દિલીપભાઈ દેવલિયા વિજેતા થયા હતા. વાંચનમાં મુસ્તફા અલાઉદ્દીન સુમરા, કેતન દેવજીભાઈ મહેશ્વરી, અરવિંદ રમેશભાઈ મહેશ્વરી, નવીન ભીમાભાઈ ઠાકોર, સુથાર પ્રગતિ આનંદભાઈ, માંજોઠી નાઈદ, સરૈયા હેમાંગ, સમા અજીજ રાયબ, ગોર પૂજા, રાહુલ સથવારા, અલીભાઈ લુહાર, મનોજભાઈ ત્રિપાઠી વિજેતા થયા હતા. વિનય દવે, અરુણાબેન દવે, હેતલબેન વોરા, કપિલ વોરા, ધ્રુવ આહીરે સહયોગ આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer