વેગીલા ભુસાકાથી રાપર-મુંદરામાં એક એક ઈંચ વરસાદ

વેગીલા ભુસાકાથી રાપર-મુંદરામાં એક એક ઈંચ વરસાદ
.ભુજ, તા. 21 : અરબી સમુદ્રમાં સર્જાયેલાં હળવાં દબાણ થકી પુન: વરસતા થયેલા મેઘરાજાએ આજે કચ્છમાં રાપર ઉપરાંત માંડવી-મુંદરા અને ભુજ તાલુકાની આહીરપટ્ટીના ગામડાઓમાં ભાદરવાના ભુસાકા વરસાવ્યા હતા. મુંદરામાં ગોઠણભેર પાણી વહ્યાં હતાં અને એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ગાજવીજ અને પવનની સંગાથે પૂછડું વીંઝી રહેલા મેઘરાજાએ આજે પણ પોતાના સંપૂર્ણ લાવલશ્કર સાથે ભય સર્જતો માહોલ ઊભો કરીને ત્રાટકયા હતા અને વિવિધ વિસ્તારોને 10-15-20 મિનિટનો જ સમય ફાળવ્યો હતો, પણ એટલીવારમાં તો રીતસર કડૂસલો કરતાંકને આગળ વધી ગયા હતા. રાપરથી પ્રાપ્ત વિગતો અનુસાર સવારે અને બપોરે રાપર, મોડા, ફતેહગઢ, ભીમાસર, પ્રાગપર, સેલારી, નીલપર, ડાભુંડા, સઈ, બાદરગઢમાં ગાજવીજ સાથે એકાદ ઈંચ પાણી વરસ્યું હતું. સીમાડામાં તેનું જોર વધ્યું હતું. ચોમાસુ પાકને નુકસાની પહોંચી હોવાની પીડા ખેડૂતવર્ગે વ્યક્ત કરી હતી. વાગડની આ ભુસાકાની છલાંગ સમી સાંજે મુંદરા અને વાગડમાં અલગ અલગ જગ્યાએ એની એ જ ડરામણી છાંટ સાથે હાજરી પુરાવી હતી. જવાહર ચોકમાં ઘૂંટણ સુધી પાણી વહેતાં કરનારા આ વરસાદમાં 26 એમ.એમ. પાણી વરસી ગયું હોવાનું મામલતદાર કચેરીએ જણાવ્યું હતું. મોસમનો આંક 499થી 525 મિ.મી. થયો છે. નીલપરમાં દોઢ ઈંચ વરસાદ હોવાનું સતુભા જાડેજાએ જણાવ્યું હતું. આ વરસાદને પગલે તલ, મગફળી, બાજરાના પાકને વ્યાપક નુકસાન જ્યારે ખારેક, જુવારને ફાયદો થશે. ધ્રબમાં પણ એક ઈંચથી વધુ પાણી વરસ્યું હોવાનું હુશેનભાઈ તુર્કએ જણાવ્યું હતું. સાંજે પહેલા રાઉન્ડમાં જ્યારે મેઘરાજા ખાબક્યા ત્યારે વીજળીનો એક તીવ્ર કડાકો સર્વ સેવા સંઘ પાસેના બસ સ્ટેશન પર પડતાં ભય પ્રસરી ગયો હતો. જો કે, નુકસાનીના કોઈ વાવડ નથી. તાલુકાના મંગરાથી ચાંદુભા દાદુજી જાડેજાએ એક ઈંચ સોના જેવો વરસાદ વર્ણવ્યો હતો, વડાલા, કુકડસર, ભદ્રેશ્વર, બાબિયા, ગુંદાલામાં પણ એક ઈંચ વરસાદ પડયો હોવાનું લધાભાઈ રબારી, પ્રદ્યુમનસિંહ જાડેજા, પાર્થ ઠક્કર તથા યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વાંકીથી સામજીભાઈ ડુડિયાએ પણ સવાર-સાંજ ઝાપટાં પડયાં હોવાનું, ગુંદાલામાં એક ઈંચ વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચવાની દહેશત ખેડૂતોએ દર્શાવી હતી. વવાર ગામે પણ જોશભેર વરસાદ વરસતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. માંડવીના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંજે 5.15થી 6.45 વાગ્યા સુધીમાં 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો, આજનો 11 મિ.મી. સાથે મોસમનો માંડવીનો કુલ વરસાદ 646 મિ.મી. થયો હતો. દરમ્યાન તલવાણા તથા આસપાસના ગામોમાં પણ ભાદરવાના ભુસાકારૂપી અડધાથી પોણો ઈંચ વરસાદ થયો હોવાનું ગામના કનુભા જાડેજાએ જણાવ્યું હતું. તો બિદડામાં પણ સાંજે પવનના સૂસવાટા અને ગાજવીજ સાથે અડધો ઈંચ વરસાદ થયો હતો. ભચાઉ નગર અને હાઈવે પણ ઝાપટાંથી ભીંજાયા હતા. રાયધણપરથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકાની આહીરપટ્ટીના ઢોરી, કુનરિયા, સુમરાસર વિસ્તારમાં શનિવારે બપોરે ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થતાં પાણી વહી ગયાં હતાં. ખેતરોમાં લીલોછમ્મ મોલ લહેરાઈ રહ્યો છે અને ખેડ-વિખેડ, નીંદણ પણ થઈ ગયા છે ત્યારે આજનો આ વરસાદ ઊભા મોલ માટે સોના સમાન બની રહેશે તેવી ખુશી ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ઢોરી ગામની શેરીઓમાંથી પાણી વહ્યાં હતાં, તો વળી નાનકડા છેલા પણ વરસાદી પાણીથી વહી નીકળ્યા હતા. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે છેલ્લે-છેલ્લે ભાદરવાના ભુસાકા રૂપે આ વરસાદથી સમગ્ર પંથક લીલોછમ્મ બન્યો છે અને ખેતરોમાં ઊભા પાકને આગામી 10 દિવસ પાણીની જરૂરિયાત પૂરી કરી દીધી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer