ભુજમાં સરાજાહેર છેડતીને અંજામ આપનારા રોમિયોને મળ્યો હિંમત અને કાયદાનો પરચો

ભુજમાં સરાજાહેર છેડતીને અંજામ આપનારા રોમિયોને મળ્યો હિંમત અને કાયદાનો પરચો
ભુજ, તા. 21 : હાથમાં બે-ચાર ગુલાબના ફ્|લ લઇને બાઇક ઉપર સવાર થવા સાથે રોમિયોગીરી કરતા આ શહેરના એક યુવાનને આજે છાત્રાઓએ હિંમત બતાવીને બરાબરનો પરચો આપ્યો હતો. ભુજના ઇરફાન રમજા મિંયાણા નામના રોમિયોગીરી કરતા આ યુવકને વિધાર્થિનીઓએ જાગૃત લોકોના સહકારથી ઝડપી બાદમાં પોલીસના હવાલે કર્યો હતો. આ પછી તેની સામે ગુનો દાખલ કરાયો હતો. સરાજાહેર અને સવારના પહોરમાં બનેલી આ ઘટના થકી જિલ્લાના આ મુખ્ય મથકે છાકટા બનેલા `રોમિયો' તત્ત્વોનો મુદ્દો પુન: એકવખત સપાટીએ આવ્યો છે. આજે સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે બનેલી છેડતીની આ સરાજાહેર ઘટનામાં કોલેજ જવા માટે નીકળેલી છાત્રાલયની છાત્રાઓના સમૂહને ટાર્ગેટ બનાવતાં આરોપી ઇરફાન મિંયાણાએ એક વિધાર્થિનીનો હાથ પકડી તેની છેડતી કરી હતી. તો અન્ય છાત્રાઓ તરફ આંખ અને હાથથી ગંદા ઇશારા કરવા સાથે ધાકધમકી સહિતની હરકતો તેણે કરી હતી.  કોલેજીયન છાત્રાઓએ આ નિર્લજ્જ હુમલા અને આરોપીની હરકતોથી ડર્યા વગર હિંમતથી સામનો કરી ઇરફાનને પકડી પડયો હતો. આ સમયે આસપાસમાં એકત્ર જાગૃત લોકો પણ છોકરીઓની મદદે આવ્યા હતા. આ પછી પકડાયેલા આરોપીને લઇને ત્રણ છકડા-રિક્ષા ભરીને ભોગ બનનારા અને જાગૃત લોકો એ-ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં પોલીસે ઇરફાન મિંયાણા સામે છેડતી અને પોક્સો સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટર એમ.એન. ચૌહાણે આગળની છાનબીન હાથ ધરી છે તેમ પોલીસે જણાવ્યું હતું.  દરમ્યાન આજે સવારે ઘાસવાળી વંડી (ઘનશ્યામ નગર) પાસેના વિસ્તારમાં સરાજાહેર બનેલા આ અનિચ્છનીય કિસ્સા થકી દેકારા સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. છોકરીઓની હિંમતને ઉપસ્થિતોનો સાથ મળતાં સમાજ માટે હાનિકારક અને લાંછનરૂપ પ્રવૃતિ કરનારાને હિંમત, જાગૃતિ અને કાયદાનો સબક મળ્યો હતો.  ઉપસ્થિત જાગૃત લોકોએ બનાવના સ્થળે અને પોલીસ મથક ખાતે આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે પકડાયેલા યુવાન પાસેથી ગુલાબના ચારેક ફ્|લ પણ મળ્યા હતા. છેલ્લા ચારેક મહિનાથી આ યુવાન છોકરીઓની પાછળ આવતો હતો અને વિવિધ હરકતો કર્યા કરતો હતો. છાત્રાઓ જે બસમાં કોલેજ જતી તે બસની પાછળ-પાછળ પણ તે બાઇકથી જતો હતો. આ દરમ્યાન બે-ત્રણ વખત સ્કૂલ બસના ચાલકે પણ તેને ચેતવણી આપી હતી. પણ તેની કોઇ અસર થઇ ન હતી. બીજી બાજુ અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને વહીવટી તંત્રના જિલ્લા સ્તરના અધિકારીઓની કચેરીઓ જ્યાં કાર્યરત છે તેવા જિલ્લાના આ મુખ્ય મથકે લુખ્ખાગીરી અને રોમિયોગીરી કરતા તત્ત્વો પુન: તેમની પ્રવૃતિમાં પ્રવૃત થતાં શહેર માટે આ સમસ્યા વધવા લાગી છે. ખાસ કરીને શાળા અને ટયૂશન છૂટવાના સમયે આવા તત્ત્વો તેમની હરકતોને અંજામ આપી રહ્યા છે. અગાઉ પ્રચાર માધ્યમોના અહેવાલો બાદ થોડા સમય માટે પોલીસ સક્રિય બની હતી. પણ છેલ્લા ઘણા સમયથી આ દિશામાં કાયદાનું કામકાજ બંધ થઇ જતાં રોમિયો તત્ત્વો છાકટા બન્યા હોવાની છાપ ઊપસી આવી છે. મહિલા પોલીસ અને સાદા વસ્ત્રોમાં પોલીસ આ બદી સામે નશ્યતરૂપ કાર્યવાહી કરે તેવી માગણી ઊઠી છે. દરમ્યાન પકડાયેલા યુવકના સંબંધીઓએ માફીનામું લખી દેવા સહિતની ઘણી આજીજીઓ કરી હતી પણ છાત્રાઓ અને જાગૃત લોકોએ તેને માન્ય રાખી ન હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer