રણોત્સવ એક મહિનો ઠેલાયો : હવે 1લી ડિસેમ્બરથી

રણોત્સવ એક મહિનો ઠેલાયો : હવે 1લી ડિસેમ્બરથી
ભુજ, તા. 21 : આમ દર વર્ષે 1લી નવેમ્બરથી કચ્છના ધોરડો પાસેના રણમાં યોજાતો રણોત્સવ આ વખતે સફેદ મીઠાના રણમાં મોટાપાયે પાણી ભરાયેલાં હોવાથી એક મહિનો ઠેલવાનો નિર્ણય લેવાયો હોવાથી હવે 1લી ડિસેમ્બરથી રણોત્સવ યોજાય તેવો હાલ પૂરતો નિર્ણય લેવામાં આવ્યો છે. 2019/20નો રણોત્સવ હવે ચાર મહિનાના બદલે ત્રણ મહિના ચાલે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં થયેલા સતત વરસાદ અને તેમાંય બનાસકાંઠા વિસ્તારમાંથી વરસાદી પાણી કચ્છના રણમાં ભરાયાં હોવાથી અત્યારે જ્યાં  રણોત્સવ યોજાય છે એ સ્થળે મોટાપાયે પાણી ભરાયેલાં  હોવાથી એક મહિનામાં સૂકાઇ જાય તેવી સ્થિતિ નથી. આ અંગે માહિતી આપતાં કચ્છના કલેક્ટર નાગરાજન મહાલિંગમે  `કચ્છમિત્ર' સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, દેશ-વિદેશના લાખો પર્યટકોને ઘેલું લગાડી ચૂકેલા સફેદ રણ વચાળે તંબુનગરીના આ રણોત્સવના શુભારંભમાં ફેરફાર કરવો પડયો છે. તેમણે જણાવ્યું હતું કે, ધોરડોના સરપંચ મિંયા હુસેન ગુલબેગે પોતાના અનુભવના આધારે કહ્યું કે, 1લી નવેમ્બર સુધીમાં પાણી ઓસરી જાય કે સૂકાઈ જાય તેવું લાગતું નથી. વોચ ટાવરથી આગળના વિસ્તારમાં પથરાયેલી નમકની સફેદ ચાદરનો નજારો જોવાની પ્રવાસીઓને ઇચ્છા હોય છે. જો 1લી નવેમ્બરના બુકિંગ કરી દેવાશે તો પાણીના કારણે નમક સરોવર જોઇ શકાય તેવું નથી. પાણી ઘૂંટણથી પણ વધારે છે અને એક-દોઢ મહિનામાં ઘટશે નહીં. એટલે ધોરડોના સરપંચ મિંયા હુસેનના કહેવા થકી હવે 1લી ડિસેમ્બરથી રણોત્સવ યોજવાની કલેક્ટરે ઘોષણા કરી હતી.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer