નવરાત્રિએ માતાના મઢમાં મોટી સમસ્યા ગટરની

નવરાત્રિએ માતાના મઢમાં મોટી સમસ્યા ગટરની
માતાના મઢ (તા. લખપત), તા. 21 : અહીં નવરાત્રિ મહોત્સવના આયોજન માટે નાયબ કલેકટર કક્ષાએ ત્રણ જેટલી બેઠકો યોજાઇ. જેમાં અલગ અલગ સરકારી વિભાગોને જવાબદારીઓ સોંપાઇ પણ ઉભરાતી ગટરની સમસ્યા યથાવત રહી છે. સરકારી તંત્રે કાગળ ઉપર સુંદર આયોજન કર્યું છે. પણ અમલવારી દેખાતી નથી. ગંદકીનું મુખ્ય કારણ પંચાયતની ગટર યોજના છે. તે અવાર નવાર ઉભરાતાં યાત્રિકોને પરેશાની વેઠવી પડે છે. ગ્રામ પંચાયત પાસે પૂરતા સાધનોનો અભાવ છે. ગટરની સફાઇ કરી શકે તેવા નિષ્ણાતાંનો સ્ટાફ પણ નથી. માંડવી નગર- પાલિકાનો સ્ટાફ આવશે. સાધનો આવશે તેવું સરકારી તંત્ર બેઠકોમાં જણાવી રહ્યા છે. પણ આજ દિવસ સુધી કોઇ નગરપાલિકાનો સ્ટાફ આવ્યો નથી. પંચાયત સ્ટાફ આવશે તેના ભરોસે બેસી રહી છે, છેલ્લા પંદર દિવસમાં તંત્ર દ્વારા નાયબ કલેકટરની અધ્યક્ષામાં બેઠકો જ યોજાય છે. પણ કામગીરી નહીંવત દેખાય છે. માતાના મઢમાં લોહાણા મહાજન વાડી પાસે ગટરનું નાળું ઊભરાઇ રહ્યું છે. તેનાથી મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. આ વિસ્તારના લોકો આ ગટરના ગંદા પાણીથી પરેશાન છે. આ વિસ્તારના રહેવાસી મનુભા ચૌહાણે જણાવ્યું હતું કે, અમને આશા હતી કે નવરાત્રિમાં નાળાની સફાઇ થઇ જશે. પણ દુ:ખની વાત એ છે કે હજી સુધી તંત્ર દ્વારા આ ગટરનું પાણી  સાફ કરવામાં નથી આવ્યું અવાર   નવાર લેખિત મૌખિક રજુઆતો કરાઇ છે. સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાને પૂછતાં તેમણે જણાવ્યું કે માતાના મઢમાં ગટરની સમસ્યા છે તેની મરમ્મત અવાર નવાર કરાય છે. પણ પૂરતા સાધનો તેમજ સ્ટાફ અમારી પાસે નથી તેથી સચોટ કામગીરી કરી શકતા નથી. આ ઉભરાતી ગટર યોજના માટે જિલ્લા પંચાયતથી લઇ ગાંધીનગર સુધી રજુઆતો પત્ર દ્વારા કરાઇ પણ આજ દિવસ સુધી ઉભરાતી ગટર યોજના માટે પગલાં લેવાયા નથી ગ્રામ પંચાયતની મર્યાદા સુધીનો ખર્ચ અમો સફાઇ કરવામાં વાપરીએ છીએ. આ નવરાત્રિમાં મોટી સમસ્યા આ ગટરની થશે. એવી દહેશત અમો પણ સેવી  રહ્યા છીએ. અહીં નવરાત્રિ દરમિયાન લાખો પદયાત્રી અને યાત્રિકોમાં આશાપુરાજીનાં દર્શને આવે છે. તેમણે ઉમેર્યું કે સરપંચ તરીકે કચ્છની દરેક નગરપાલિકાને વિનંતી કરું છું કે, મા. મઢની ઉભરાતી ગટર માટે નગર-પાલિકાનાં સાધનો તેમજ મરમ્મત માટે નિષ્ણાતોની ટીમ આપે જેથી ગટરની સમસ્યા દૂર થાય. નવરાત્રિ મહોત્સવની તૈયારી વિશે મઢ જાગીરના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મઢ જાગીર પરિસર તેમજ મંદિર પરિસરમાં સફાઇનું કામ પૂર્ણ થઇ ગયું છે. તેની દેખરેખ ખુદ રાજાબાવા યોગેન્દ્રસિંહજી કરી રહ્યા છે. યાત્રિકો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરાઇ છે. ગેટ નંબર 3 અને 4 પાસે ઉભરાતી ગટરની સમસ્યાથી ટ્રસ્ટ પણ ચિંતિત છે. મા.મઢ ગ્રામ પંચાયત ગટરની સફાઇ ખર્ચમાં મઢ જાગીર પૂરતો સહયોગ આપશે. હજી નવરાત્રિને ચાર દિવસનો સમય છે. સાથે મળીને નવરાત્રિ મહોત્સવ સુચારુ રૂપે સ્વચ્છતા રાખી પાર પાડીશું. ઉલ્લેખનીય છે કે, માતાના મઢમાં જ્યારે વડાપ્રધાન કે મુખ્યમંત્રી જેવા મહાનુભાવો આવે છે ત્યારે આખું સરકારી તંત્ર યુદ્ધનાં ધોરણે રાતો રાત તેમના સ્વાગત માટે તૈયારીઓ કરે છે. પણ જ્યારે નવરાત્રિમાં લાખો પદયાત્રી, યાત્રિકો મા આશાપુરાજીનાં દર્શને આવે છે. ત્યારે ઉભરાતી ગટરનો તોડ આ સરકારી તંત્રને કેમ નથી મળતો એ પ્રશ્ન મઢમાં આવતા યાત્રિકો તંત્રને પૂછી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer