ભુજની ચોથી રિલોકેશન સાઇટને ચારે બાજુથી સમસ્યાઓએ લીધેલો ભરડો

ભુજની ચોથી રિલોકેશન સાઇટને ચારે બાજુથી સમસ્યાઓએ લીધેલો ભરડો
ભુજ, તા. 21 : અહીંની ચારે રિલોકેશન સાઇટ પૈકી ચોથી જી.આઇ.ડી.સી. વસાહતને ચારે કોરથી સમસ્યાએ ભરડો લીધો છે. પરિણામે રહેવાસીઓને ત્યાં રહેવું દુષ્કર બન્યું છે. `કચ્છમિત્ર'ની ટીમે આજે જી.આઇ.ડી.સી. વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ વિસ્તારના લોકોએ વિવિધ મુદ્દે હૈયાવરાળ ઠાલવી હતી. આ વિસ્તારના કપિલ મહેતા, યુવરાજ જાડેજાએ બયાન આપ્યું હતું કે, રસ્તા, લાઇટ, પાણીના મુદ્દે વહીવટી તંત્ર પાસે અનેક રજૂઆતો કરી છે. શહેરથી 4 કિ.મી. દૂર હોવાથી કાયદો વ્યવસ્થાના પ્ર્રશ્નો સર્જાય છે. પોલીસ પેટ્રોલિંગ નિયમિત થવું જોઇએ. કેટલાક રહીશોએ ઉમેર્યું હતું કે, અભિયાન દ્વારા અનેક લાભાર્થી પાસેથી સરકારને થતી રકમ આપી છે. જેના પુરાવા પણ લાભાર્થીઓ પાસે છે અને આજે આવા અનેક લાભાર્થીઓ લાલ બુકથી વંચિત રહી ગયા છે. તેવા તમામ લાભાર્થીઓને ભાડા દ્વારા સનદ આપવામાં આવે તેવી માંગ છે. નગરપાલિકા પણ પોતાની ફરજ ચૂકી ગઇ છે. આ સાઇટમાં ગાંડા બાવળ મોટા પ્રમાણમાં ઊગે છે. પણ નગરપાલિકા દ્વારા સાફ-સફાઇ પણ થતી નથી. તો કેસરબેન ચાવડા અને નયનાબેન ભાટિયાએ ઉમેર્યું હતું કે, રિલોકેશનમાં રહેતા લાભાર્થીઓ પાસેથી અભિયાન સંસ્થાના કાર્યકરોએ ભાડામાં ભરવાની થતી રકમ (રૂપિયા) ન ભરીને અન્યાય કર્યો છે. કારણ કે, આજે ભાડામાં અમારા મકાનના જે આધારો છે, ત્યારે હુકમ/સનદ લેવા જઇએ એટલે જવાબદાર અધિકારી અમારી પાસે વ્યાજ સહિત રકમ માગે છે. ત્યારે અમે લાચાર થઇ જઇએ છીએ. અગાઉ લાભાર્થીઓ પાસેથી દેના બેંક દ્વારા ભુજ વિકાસ વિસ્તાર સત્તા મંડળના ખાતામાં રૂા. 14,500 ભરવાના હતા અને આજે જે લોકો અભિયાન સંસ્થાના કાર્યકરોને રૂપિયા આપ્યા અને આ સંસ્થાએ લાભાર્થીઓના રૂપિયા ભાડામાં જમા કરાવ્યા ન હોવાથી હવે ભાડા ઓફિસ લાભાર્થીઓ પાસેથી રૂા. 40,000 ભરો તો સનદ મળશે, તેમ કહે છે. લોકો અભિયાન સંસ્થાના કાર્યકરોને રૂપિયા આપ્યા છે. તેમની પાસે આધારો છે. ચૂંટણી પછી કોઇ નેતા અમારી પૂછા પણ કરતા નથી, તેનું ભારોભાર દુ:ખ છે. તેમજ આજે પણ વિસ્તારમાં રસ્તા, પાણી અને રોડ લાઇટ માટે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઇ ઉકેલ આવતો નથી. વિજયાબા જાડેજાએ પણ ઉમેર્યું હતું કે અગાઉ ખૂલેલી પોલીસ ચોકી બંધ છે તેમજ પાણી પણ અઠવાડિયે એક વાર આવે છે. કયારેક તો તેનાથી પણ વધારે દિવસો થઇ જાય છે. ત્યારે ત્રણ-ચાર ઘરદીઠ એક પાણીનું ટેન્કર મગાવવું પડે છે. સિટી બસ પણ રસ્તા ખરાબ હોવાથી આવતી નથી તેમજ વરસાદ આવે છે ત્યારે રસ્તામાં ચાલવું મુશ્કેલ બની જાય છે. તેમજ ઝાડી-ઝાંખરા ખૂબ જ વધુ માત્રામાં હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ થાય છે તેમજ સાપ જેવા જીવજંતુ લોકોના ઘરમાં ઘૂસી જાય છે, માટે ઝાડી સાફ કરાવવાની જરૂર છે. ભારતીબેન સોલંકી, વર્ષાબેન ગોર, જ્યોતિબેન સલાટે રજૂઆત કરી સરકાર દ્વારા શૌચાલયોની સહાય જે રૂા. 12000 આપવામાં આવતી હતી તે પણ રહેવાસીઓને લાભાર્થી દર્શાવી તેમના નામે સહાય લેભાગુ તત્ત્વો ચાંઉ કરી ગયા છે. આ બાબતે કલેકટર તટસ્થ તપાસ કરે તે જરૂરી છે. કારણ કે, અભિયાન સંસ્થાએ  જે મકાનો અમને બનાવી દીધા હતા, તેમાં જ શૌચાલયની સુવિધા અમને આપવામાં આવી હતી. આ તમામ પ્રશ્નો નહિ ઉકેલાય તો ગાંધીચીંધ્યા માર્ગે અનશન કરવાની ફરજ પડશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer